3 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પાંડેસરાના કાપડ વેપારીની NIAની 2 ટીમે 8 કલાક પૂછપરછ કરી
(સુશાંત શીંદે દ્વારા, સુરત) -એક વર્ષ પહેલા ગુજરાતના મુદ્રા પોર્ટ પરથી DRIએ પકડેલા 3 હજાર કિલો ડ્રગ્સ મામલામાં NIAની ટીમ તપાસ માટે બુધવારે સવારે સુરત આવી હતી. સુરત પોલીસની એસઓજી અને ક્રાઇમબ્રાંચ સાથે NIAની મુંબઈ યુનિટની બે ટીમો પાંડેસરા વિસ્તારમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં તપાસ માટે ગઈ હતી. NIAની ટીમના અધિકારીએ ઓરિસ્સાના વતની અને કાપડના વેપારી અનિલની બુધવારે સવારથી પૂછપરછ શરૂ કરી હતી. લગભગ 8 કલાક સુધી NIAના સ્ટાફે વેપારીની પૂછપરછ કરી બાદમાં તેના ઘરેથી નીકળી ગઈ હતી. જો કે વેપારીનો ડ્રગ્સ મામલામાં શું રોલ છે તે અંગે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું.
મુદ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો ડ્રગ્સ પકડાયું હતું. આ ડ્રગ્સમાં પકડાયેલા આરોપીઓના સંપર્કમાં વેપારી અનિલ પણ સામેલ હોય એવી આશંકા છે. જેના કારણે NIAની ટીમે પૂછપરછ કરી હોવાની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી છે. NIAના સ્ટાફે અનિલને ઘરમાં બેસાડી પૂછપરછ કરી ઘરમાં સર્ચ પણ કર્યુ હતું. જો કે ઘરમાંથી કોઈ વાંધાજનક મળ્યું કે કેમ તે અંગે NIAના સ્ટાફે કોઈપણ પ્રકારની માહિતી મીડિયાને આપી ન હતી. NIAના સ્ટાફે ક્રાઇમબ્રાંચ અને એસઓજીને પણ અનિલની પૂછપરછ વખતે સાથે રાખ્યા ન હતા.
અગાઉ એક વર્ષ ડ્રગ્સ પકડાયું ત્યારે પણ NIAની ટીમે અનિલના ઘરે તપાસ માટે આવી ત્યારે કેટલાક વાંધાજનક ડોક્યુમેન્ટો કબજે લીધા હતા. વર્ષ 2021ના સપ્ટેમ્બરમાં ગુજરાતના મુદ્રા પોર્ટ પર DRI દ્વારા 3000 કિલો ડ્રગ્ઝથી ભરેલું ટેન્કર પકડાયું હતું. અફઘાનિસ્તાનથી ટેલકમ પાઉડરની આડમાં ડ્રગ્સ મુદ્રા પોર્ટ પર મંગાવવા આવતું હતું. આ કેસમાં 16 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી, જયારે 09 જેટલા આરોપીઓને શરૂઆતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસની વધુ તપાસ NIA કરી રહી છે.