બોરખડી ગામની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવેલ ઈકો- ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના વેચાણ માટે વ્યારા ખાતે દુકાનનું ઉદઘાટન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી દ્વારા બોરખડી ગામે આદિવાસી મહિલાઓને નાળિયેરના રેસામાંથી વિવિધ આર્ટીકલ્સ બનાવવાવી કૌશલ્ય વિકાસ તાલીમ ૩૦ દિવસ માટે આપવામાં આવી હતી. તાલીમ લીધા બાદ ગત વર્ષથી તાલીમાર્થી મહિલાઓએ નાળિયેરના રેસામાંથી આર્ટીકલ્સ બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો. જેમાં ખાસ કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ અને નવતર કામગીરી સ્વરૂપે ગત વર્ષથી જ ગણેશજીના તહેવાર નિમિત્તે ઈકો- ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનો નવીન અભિગમ હાથ ધર્યો છે. જેમાં બોરખડી ગામની સ્નેહા સખી મંડળ અને કૈવલકૃપા સખી મંડળની મહિલાઓએ નાળિયેરના રેસામાંથી ઈકો- ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ ૧ ફુટ થી ૪ ફુટની સાઈઝ સુધીની ૫૦ થી વધુ પ્રતિમાઓ બનાવી વેચાણ કરી રહી છે.
ગણેશજીની મૂર્તિના વેચાણ માટે આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ જિલ્લા પ્રસાશનના સહયોગથી કૈવલકૃપા સખી મંડળને વ્યારા ખાતે દુકાન ફાળવવામાં આવી છે. જેનું ઉદઘાટન તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ડી. ડી. કાપડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવેલ કે છેલ્લા બે વર્ષથી સખીમંડળની બહેનો પર્યાવરણપ્રિય ગણેશજીની મૂર્તિ બનાવી આત્મનિર્ભર બની રહી છે તે બદલ તેમને અભિનંદન પાઠવું છું અને સાથે તેમણે સખીમંડળની બહેનોને ૧૦૧ દેવમોગરા માતાજીની મૂર્તિનો ઓર્ડર આપ્યો હતો અને તેમણે લોક નાયક એવા ભગવાનશ્રી બિરસા મુંડાની પ્રતિમા બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન. એમ. ચૌહાણ પણ ઉપસ્થિત રહયા હતા તેમણે સખીમંડળની મહિલાઓની નવીન કામગીરી બીરદાવી તેમને આત્મનિર્ભર તેમજ ગણેશ વિસર્જનમાં પ્રદૂષણ ઘટાડી પર્યાવરણની જાળવણી કરવા માટે સમાજમાં જાગૃતિ લાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કેવીકે, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડયાએ ઉપસ્થિત મહિલાઓને ઈકો- ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવા માટે માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ડી.ડી.કાપડિયાસાહેબનો સખીમંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન કેવીકેના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ કર્યું હતું.
વધુમાં, સ્નેહા સખી મંડળને ચાલુ વર્ષે વન વિભાગ દ્વારા વ્યારા ખાતે દુકાન ફાળવવામાં આવેલ છે જેમાં સખી મંડળ દ્વારા ઈકો- ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું વેચાણ કરવામાં આવી રહયું છે. તેઓની સમગ્ર મહાનુભાવો દ્વારા મુલાકાત લઈ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બન્ને સખીમંડળના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન ચૌધરી અને શ્રીમતી શીલાબેન ચૌધરી એ પોતાના પ્રતિભાવો રજૂ કરી આનંદની લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમમાં કેવીકેના વૈજ્ઞાનિકશ્રીઓ પણ હાજર રહયા હતા.