કાપોદ્રાનો હેડ કોન્સ્ટેબલ જાસુસોને 25 હજારમાં ફોનના CDR વેચતો હતો, દિલ્હી પોલીસે પકડ્યો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -દિલ્હી પોલીસે ડિટેક્ટિવ એજન્સીના સીડીઆર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટમાં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ્ટેબલ વિપુલ રણછોડ કોરડીયા 25 હજારમાં સીડીઆર વેચાણ કરતો હતો. આથી દિલ્હી પોલીસની ટીમ સુરત આવી હતી. દિલ્હી પોલીસે હેડ.કો.વિપુલ કોરડીયાને ઘરેથી પકડી પાડી દિલ્હી લઈને રવાના થઈ છે.
આગામી દિવસોમાં દિલ્હીમાં સમયપુર બદલી પોલીસ સ્ટેશનમાંથી આ કેસની તપાસ દિલ્હી ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવશે. સીડીઆર રેકેટના કૌભાંડને કારણે કાપોદ્રા પોલીસના હેડ.કોન્સ્ટેબલ વિપુલ કોરડીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. 10 વર્ષ પહેલા પણ હેડ.કો. વિપુલ કોરડીયા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો તે સમયે સીડીઆર વેચી હોવાની વાત પોલીસ અધિકારીના ધ્યાને આવી હતી. આથી પોલીસ અધિકારીએ તે વખતે પણ તેને સસ્પેન્ડ કરી દીધો હતો. કાપોદ્રા પોલીસનો હેડ.કો વિપુલ કોરડીયા છેલ્લા સાત મહિનાથી સીકલીવ છે.દિલ્હીમાં ખાનગી વ્યકિતઓ ગેરકાયદે રીતે સીડીઆર મંગાવી કેટલીક ડિટેક્ટિવ એજન્સીઓને સીડીઆર વેચેે છે. આ માહિતી આધારે દિલ્હીની સમયપુર બદલી પોલીસ સ્ટેશને એક ટ્રેપ ગોઠવી એક નંબરની સીડીઆર આધારે રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેના આધારે દિલ્હીની વિનસ ડિટેક્ટિવ એજન્સીના પવનકુમારની દિલ્હી પોલીસે પકડી પાડી પૂછપરછ કરી હતી. પવનકુમારને સુરતના મીત શાહએ સીડીઆર મંગાવી આપ્યા હતા. પવનકુમારે મીત શાહને સીડીઆરની 1.60 લાખની રકમ આપી હતી. મીત શાહ પાછો તેના મિત્ર સંતોષ અને સંતોષ પોલીસકર્મી વિપુલ પાસેથી સીડીઆર લેતો હતો.