સણીયા-લિંબાયતમાં ખાડી પૂર ઓસરતા 850 ટન કચરો કાઢી 11 હજાર કિલો દવાનો છંટકાવ
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : મીઠીખા઼ડીમાં 17મી ઓગસ્ટે આવેલા ખાડી પૂરના લીધે સણીયા ગામતળ, સારોલી ગામ, લિંબાયત, મગોબ તથા પરવત પાટિયા સ્થિત માધવબાગ ખાતે 5 ફૂટ પાણી ભરાયાં હતાં. ઉપરવાસમાં વરસાદે વિરામ લેતાં ખાડીના પાણી ઉતરવાનું શરૂ થતાં ગંદકીનું સામ્રાજ્ય સામે આવ્યું હતું.
ગંદકીથી રોગચાળો ફેલાવાની દહેશતને પગલે પાલિકાના લિંબાયત અને વરાછા ઝોનના આરોગ્ય વિભાગે મોડી રાતથી જ સફાઇ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 850 ટનથી વધુ કચરો એકત્રિત કરી નીકાલ કરાયું હતું. પાલિકાએ વિવિધ વિસ્તારોમાં 11 હજાર કિલો જંતુનાશક દવાનો પણ છંટકાવ કર્યો હતો.પાલિકાના વરાછા અને લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગે અન્ય ઝોનના સ્ટાફને પણ સાથે રાખી પૂર ગ્રસ્ત વિસ્તારોમાં સફાઇ કામગીરી શરૂ કરી હતી.
સફાઇ કામગીરીમાં કુલ 80 સાધનો જેવા કે 42 ટ્રેકટર, 11 ટ્રક, 08 જે.સી.બી. મશીન અને 13 રોબોર્ટ મશીન, 03 લોડર મશીન અને 03 ફાયર બાઉઝર દ્વારા કુલ 850.85 ટન કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરાયો હતો. મોડીરાત સુધી પાલિકા સ્ટાફે સમગ્ર વિસ્તારમાં 10,979 કિ.ગ્રા. જંતુનાશક દવાનો પણ છંટકાવ કર્યો હતો. ખાડી પૂરથી મોટાભાગના વિસ્તારોમાં સફાઇ ઝંબેશથી લોકોએ પણ રાહત અનુભવી હતી.