મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતામાં ગુણસદા ખાતે “એકલ અભિયાન” કાર્યક્રમ
કલેકટર આર.જે.હાલાણીએ સભાસ્થળની મુલાકત લઈ તૈયારીઓની સમીક્ષા કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૬.૧૨.૧૯ ના રોજ સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે આયોજિત “એકલ અભિયાન” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ સંદર્ભે કલેક્ટર આર.જે.હાલાણીએ ગુણસદા સ્થિત સભાસ્થળની મુલાકાત લઈ સબંધિત અધિકારીઓની બેઠક બોલાવી તૈયારીઓ સબબ જરૂરી રચનાત્મ સુચનો કરી માર્ગદર્શન આપ્યુ હતુ.
કલેક્ટરે કાર્યક્રમના સુચારૂ આયોજન સંદર્ભે સબંધિત વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી સમય મર્યાદામાં તમામ આનુસંગિક કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતુ. આ પ્રસંગે હેલિપેડ,પાર્કીંગ સ્થળ, કાર્યક્રમના સ્થળે મંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પીવાનુ પાણી, આરોગ્ય, મોબાઈલ શૌચાલય, વીજળી ,કાયદો-વ્યવસ્થા, પ્રચાર-પ્રસાર, મીડીયા બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી જરૂરી સુચનો કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પોલિસવડા એન.એન.ચૌધરી, અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનીયા, વ્યારા પ્રાંત તુષાર જાની, માર્ગ-મકાન અને જીઈબીના કાર્યપાલક ઈજનેરો સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.