તાપી જિલ્લા ખેડૂત જોગ : કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી(કૃષિ વિમાન)ના ઉપયોગથી છંટકાવની સેવા યોજનામાં સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ઉપર આગામી ૨૬ ઓગસ્ટ સુધી અરજી કરવી
(માહિતી બ્યુરો, વ્યારા- તાપી) તા.18:- કૃષિ યાંત્રિકરણનો ઉપયોગ કરી ખેતી વધુ નફાકારક બની શકે તે હેતુ માટે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ અંગેની યોજનાનો મુખ્ય હેતુ કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ફાર્મ મીકેનાઇઝેશન દ્વારા ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી ખેડૂતોની આવક બમણી કરવાનો છે. ખેડૂતો દ્વારા પાક સંરક્ષણ માટે સામાન્ય રીતે ખેત મજૂર દ્વારા પાક સંરક્ષણ રસાયણ/ નેનો યુરીયા/ પ્રવાહી ખાતરો/ જૈવિક ખાતરોના છંટકાવ કરવામાં આવે છે. સદર પરંપરાગત પધ્ધતિમાં વધુ સમય તથા વધુ પાણીની જરૂર પડે છે. જેની સામે છંટકાવ કરવામાં આવતા પાક સંરક્ષણ રસાયણ/ નેનો યુરિયા/ પ્રવાહી ખાતરો/જૈવિક ખાતરના છંટકાવની અસરકારકતા પણ ઓછી જોવા મળે છે. જે માટે અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી સમય અને પાણીનો બચાવ કરવાની સાથે છંટકાવ કરવામાં આવતા પાક સંરક્ષણ રસાયણો/ નેનો યુરિયા/ પ્રવાહી ખાતરો/જૈવિક ખાતરના છંટકાવની અસરકારકતા પણ વધુ મેળવી શકાય છે તથા ખેત મજૂરની અછત જેવી સમસ્યાનું નિવારણ લાવી શકાય તેમ છે. આ યોજનામાં ખેડૂત ખાતેદારને ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ. ૫૦૦/- પ્રતિ એકર બે માંથી જે ઓછુ હોય તે મુજબ, પ્રતિ છંટકાવ સહાય મળવા પાત્ર રહેશે. ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે.
કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી(કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા યોજનામાં સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર આગામી તા: ૨૬/૦૮/૨૦૨૨ સુધીમાં અરજી કરવા રસ ધરાવતા તમામ ખેડૂતમિત્રોને અરજી કરવા તથા નજીકના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી(ખેતી) જિલ્લા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા તાપી જિલ્લા અધિકારીશ્રી ચેતન ગરાસીયા દ્વારા જણાવાયું છે.
0000000000000