15મી ઓગસ્ટના પાવન પર્વ પર તાપી જિલ્લાને “ઇ-વ્હીકલ” તથા ટ્રેક્ટર-ટ્રેઇલરની મળી અનોખી ભેટ

Contact News Publisher

જિલ્લા પંચાયત તાપી દ્વારા “ 15માં નાણાપંચ” અંતર્ગત ઘન કચરા એકત્રીકણ હેતું “ઇ-વ્હીકલ” તથા ટ્રેક્ટર-ટ્રેઇલરનો વિતરણ કાર્યક્રમ યોજાયો : ૧૮ ગામોને ટ્રેકટર ટ્રોલી સાથે અને ૧૧ ગામોને ઈ-વ્હીકલ વિતરણ કરવામાં આવ્યા
……………
તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના કૃષિ,ઉર્જા-પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે “ઇ-વ્હીકલ” તથા ટ્રેક્ટર–ટ્રેઇલરને અપાઇ લીલી ઝંડી
……………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.15 તાપી જિલ્લામાં સ્વતંત્રતાના 76માં વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્ય કક્ષાના કૃષિ,ઉર્જા-પેટ્રોકેમિકલસ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે જિલ્લા પંચાયત,તાપી દ્વારા “15માં નાણાપંચ” અંતર્ગત ઘન કચરા એકત્રીકણ હેતું જિલ્લાના ૧૮ ગામોને ટ્રેકટર ટ્રોલી સાથે અને ૧૧ ગામોને ઈ- વ્હીકલ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના હસ્તે “ઇ-વ્હીકલ” તથા ટ્રેક્ટર—ટ્રેઇલરને કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા.

તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત તમામ ગામોમાં ડોર-ટુ ડોર કચરાનું કલેક્શન અને ભીના અને સૂકા કચરાના વર્ગીકરણની કામગીરી થઇ રહી છે. જે અંતર્ગત હાલમાં ૧૩ ગામોમાં ડોર ટુ ડોર કલેક્શન અને ૧૬મી ઓગસ્ટથી બીજા ૨૯ ગામો આ કામગીરીને જોડવાનું આયોજન છે. આ કામગીરી માટે ૧૫માં નાણાપંચમાંથી ૧૮ ગામોને ટ્રેકટર ટ્રોલી સાથે અને ૧૧ ગામોને ઈ-વેહિકલ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં તાપી જિલ્લાના કુલ ૧૫૨ ગામોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ બાકીના ગામોમાં હાલ તાત્કાલિક વાહન ભાડે રાખીને પણ ડોર ટુ ડોર કલેક્શન કરવાનું આયોજન છે. ઉપરાંત ૩૬ વાહનો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ માંથી આપવામાં આવનાર છે.

દેશની આઝાદીના સાથે સાથે અસ્વચ્છતાથી પણ આઝાદ થવા માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમામ કુટુંબો માટે શૌચાલયો બનાવી ગામોને જાહેરમાં શૌચક્રિયા મુક્ત બનાવ્યા હતા. આ તબક્કામાં ગામોને ODF (ઓપન ડેફીકેશન ફ્રી) તરીકે જાહેર કર્યા હતા. આ મિશન અંતર્ગત તાપી જિલ્લામાં કુલ-૧,૦૦,૦૨૨ (એક લાખ બાવીસ) વ્યક્તિગત અને ૨૩૮ સામુહિક શૌચાલયોનાં નિર્માણ કરવામાં આવ્યા છે.

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના બીજા તબક્કામાં ODFનું ટકાઉપણું તેમજ ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનની કામગીરી જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૩૮ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ ગામોને ODF+ મોડેલ ગામો પણ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

ભીના કચરાને વ્યક્તિગત અને સામુહિક કમ્પોસ્ટ પીટના નિર્માણ દ્વારા ખાતરમાં ફેરવી પ્રાકૃતિક કૃષિ માટે વાપરીને તેનો યોગ્ય નિકાલ થશે. જ્યારે સૂકા કચરાના પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓને રિસાયકલ કરી શકાય એ માટે ગામોમાં સેગ્રીગેશન શેડ બનાવી તેમાં ભેગા થયેલા પ્લાસ્ટિકને રિસાયકલ કરતી એજન્સી સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી છે. હાલમાં ૫૦ ગામોમાં સેગ્રીગેશન શેડ બનેલા છે તથા ૧૫૦ સામુહિક કમ્પોઝપીટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે તમામ ઘરોના વપરાશી ગંદા પાણીના નિકાલ માટે વ્યક્તિગત શોકપીટ અને જાહેર જગ્યાઓમાં સામુહિક શોકપીટના નિર્માણ કરવામાં આવશે. ગટરોમાંથી નીકળતા પાણીને સીધું નાળામાં કે નદીમાં ન છોડતા તે માટે પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જોગવાઈ કરવામાં આવેલ છે.

ગોબરધન પ્રોજેક્ટ અંર્તગત ડોલવણ તાલુકાના કરંજખેડ ક્લસ્ટરમાં પ્રાયોગિક ધોરણે ૨૦૦ ગોબર ગેસ યુનિટના લાભાર્થીઓને માત્ર રૂ.૫૦૦૦/-ના યોગદાન દ્વારા રૂ. ૪૨,૦૦૦નું યુનિટ આપવામાં આવેલ છે. ગોબરધન પણ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ના ઘન કચરા વ્યવસ્થાપનનો જ એક મહત્વનો ભાગ છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ તમામ ગામોના સરપંચશ્રીઓને પોતાના ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની આ તમામ બાબતો ઘરે ઘર સુધી IEC એક્ટિવિટી વડે પહોંચાડે, તથા આ કામગીરીને અંગત રસ લઈ સારી રીતે પૂર્ણ કરી કાયમીરીતે આ કામગીરીને ટકાવીને આપણા તાપી જિલ્લાને ગુજરાતના મોડેલ જિલ્લા તરીકેનું સ્થાન અપાવીને તાપી જિલ્લાનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, વન સંરક્ષક અધિકારીશ્રી આનંદકુમાર, કારોબારી અધ્યક્ષશ્રી મોહનભાઈ કોકણી, સંગઠન પ્રમુખ ડૉ.જયરામ ગામીત, ન.પા.પ્રમુખ સેજલ રાણા, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં.
00000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other