તાપી જિલ્લાના વ્યારા ખાતે 76માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી
તાપી જિલ્લો છેવાડાનો જિલ્લો છે પરંતું તમામ કામગીરીમાં અગ્રેસર છે: પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
………………………..
ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની
………………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.15: તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે 76માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં સમગ્ર તાપીમાં અંદાજિત 332357 સ્થળોએ રાષ્ટ્રધ્વજ લગાવામાં આવ્યા. સમગ્ર દેશ સહિત તાપી જિલ્લો દેશ ભક્તિના રંગમાં રંગાયો છે. તેમણે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાપી જિલ્લાની મુલાકાત કરી અંદાજિત 28.69 કરોડના ખર્ચે નિર્માણાધિન તમામ સુવિધા સંપન્ન આધુનીક રમત ગમત સંકુલ તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રમતગમતના ખેલાડીઓ માટે સ્પોર્ટસમાં કારકીર્દી બનાવવા પાયારૂપ ભૂમિકા અદા કરશે એમ દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુમાં ઊર્જા અને પ્રટ્રોકેમીકલસ મંત્રીશ્રીએ તાપી જિલ્લામા પ્રાકૃતિક ખેતી અંગેના સમગ્ર પ્રોજેક્ટ હેઠળ ડોલવણ તાલુકાને સપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો તાલુકો બનાવવાનું આયોજન અંગે અભિનંદન પાઠવતા તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવા આહવાન કર્યું છે.
ઉપરાંત મંત્રીશ્રીએ ગુજરાતની આન બાન અને શાનને ઠેસ ન લાગે, રાજ્યની પ્રતિષ્ઠાને ઊની આંચ ન આવે તેમજ સ્વાતંત્ર્ય પર્વના આ પાવન દિવસે ગુજરાત વિકાસની નવી ઉંચાઈઓ સર કરે એવી અભ્યર્થના વ્યક્ત કરી તાપી જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
અંતે તેમણે વિવિધ વિભાગો અંતર્ગત કાર્યરત યોજનાકિય માહિતીમાં તાપી જિલ્લા દ્વારા કરવામાં આવેલ સિધ્ધિઓને વર્ણવતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો છેવાડાનો જિલ્લો છે પરંતું તમામ કામગીરીમાં અગ્રેસર છે. તેમણે તમામ સરકારી વિભાગો અને કર્મચારીઓ/અધિકારીઓના કામ પ્રત્યેની નિષ્ઠાને બીરદાવી હતી.
આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી તાપી જિલ્લામાં વિકાસના કામો માટે રૂપિયા 25 લાખનો ચેક જિલ્લા વહિવટી તંત્રને અર્પણ કરાયો હતો.
કાર્યક્રમમાં પોલીસ જવાન અને ડોગ હેન્ડલર મહેન્દ્રભાઇ પટેલે પોલીસ ડોગ પિન્કી-ડોબરમેન પાસે વિવિધ કરતબો કરાવ્યા હતા. આ ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ ઉપરાંત એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા તિરંગાને સલામી અપાઈ હતી. આ સાથે ચિમકુવા પ્રાથમિક શાળા, મા શિવદુતી સાયન્સ સ્કુલ, કે.બી.પટેલ, વિનય મંદિર શાળા, વિનય ભારતી વિદ્યા મંદિર શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કર્યા હતા.
ધ્વજવંદન બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી કાપડિયા, જિલ્લા પોલીસ અધીક્ષક રાહુલ પટેલ, વન સંરક્ષક અધિકારીશ્રી આનંદકુમાર, કારોબારી અધ્યક્ષશ્રી મોહનભાઈ કોકણી, સંગઠન પ્રમુખ ડૉ.જયરામ ગામીત, ન.પા.પ્રમુખ સેજલ રાણા, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
00000000000000