પાલગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 319 નાં વિદ્યાર્થીઓ સી.આર.સી. કક્ષાનાં કલા મહોત્સવમાં ઝળક્યા
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૧૨ આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલ કલા મહોત્સવમાં અડાજણ, સી.આર.સી-6 પૈકીની શાળાઓનાં વિદ્યાર્થીઓની સ્પર્ધામાં અત્રેની પાલ ગામ સ્થિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 નાં વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં વિજેતા નિવડ્યા હતા. કલા મહોત્સવની ચાર સ્પર્ધાઓ પૈકી કાવ્યલેખન સ્પર્ધામાં કુમારી આશા સાધુ પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. કલા મહોત્સવની જ સંગીતવાદન સ્પર્ધામાં શાળાનાં વિદ્યાર્થી ખુમાણ હિરેન પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો અને સંગીતગાયન સ્પર્ધામાં કુમારી સહાની વિદ્યા દ્વિતીય ક્રમે વિજેતા બની હતી. આમ કુલ ચાર સ્પર્ધાઓ પૈકી બે સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવીને અને એક સ્પર્ધામાં દ્વિતીય ક્રમે આવીને કુલ ત્રણ ઇનામોની હેટ્રિક શાળા ક્રમાંક 319 ના વિદ્યાર્થીઓએ મેળવી છે.
શાળાનાં શિક્ષિકા હેતલબેન લાવરીનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ટૂંકા ગાળામાં તૈયારી કરી હતી, પરંતુ નિષ્ઠાપૂર્વકનાં મહાવરાથી વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં સિદ્ધિ હાંસલ કરી શક્યા હતાં. શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ પરમારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન આપનાર શિક્ષકોને અભિનંદન આપ્યા છે. હવે સી.આર.સી. કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ બંને વિદ્યાર્થીઓ કાવ્યલેખન સ્પર્ધામાં અને સંગીતવાદન સ્પર્ધામાં યુ.આર.સી. કક્ષાએ સીઆરસી -6 નું પ્રતિનિધિત્વ કરશે.