“હર ઘર તિરંગા સાથે હર ઘર વૃક્ષ” ઉછેરવાનો સંકલ્પ લેતા તાપી જિલ્લાના નાગરિકો
પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવ ઉજવાયો
…………….
“હર ઘર તિરંગા સાથે હર ઘર વૃક્ષ” વાવવાની અપીલ કરતા પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
…………….
તિરંગો લહેરાવી તાપી જિલ્લામાં ત્રિ-દિવસીય હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવતા પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.12: ગરવી ગુજરાતી અને દેશના પ્રથમ વનમંત્રીશ્રી કનૈયાલાલ મુનશી દ્વારા શરૂ કરાયેલી વન મહોત્સવની પરંપરાની આ શ્રેણીમાં આજે 73માં વન મહોત્સવ દ્વારા સમગ્ર ગુજરાતમાં “ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત”ના ધ્યેયને સાકાર કરવા સામુહિક રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમીકલસ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 73માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
અધ્યક્ષસ્થાનેથી પ્રભારીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વન સંરક્ષણ-જતન-સંવર્ધન માટે કટિબધ્ધ છે. વન બચાવવુ હોય તો તેનું જતન જરૂરી છે. તેના માટે “હર ઘર તિરંગા સાથે હર ઘર વૃક્ષ” વાવવાની અપીલ કરી હતી. તાપી જિલ્લામાં વન વિભાગના અધિકારી કર્મચારીઓને ખાસ અભિનંદન પાઠવી કામગીરીની સરાહના કરી હતી. તેમણે સૌર પવન, પાણી જેવા કુદરતી સંશાધનોનું સંરક્ષણ કરી વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારીને પર્યાવરણ જતનની નેમ લેવા હાંકલ કરી હતી.તેમણે નાગરિકોને દિકરા-દીકરીના જન્મ પ્રસંગે એક છોડનો ઉછેર એક બાળકની જેમ કરવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તમામ નાગરિકોને તિરંગા આપણી શાન છે તિરંગા આપણી આન છે, માનભેર તિરંગાને આપણા ઘરે લગાવી “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં જોડાવા ખાસ અપીલ કરી હતી.
અંતે તેમણે આપણી સંસ્કૃતિ એ વૃક્ષમાં ભગવાનના દર્શનની સંસ્કૃતિ છે. છોડમાં રણછોડ છે ત્યારે વધુ વૃક્ષો વાવી ગુજરાતને વનીકરણ ક્ષેત્રે આગળ ધપાવવા વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવવા સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા એ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વૃક્ષોનું મહત્વ આપણા જીવનમાં જન્મથી લઈ મરણ સુધી છે. કુદરતે આપેલ અમૂલ્ય સંપદાનું સંવર્ધન કરવાની આપણા સૌની જવાબદારી છે. તેમને દરેક ઘરે એક વૃક્ષ વાવી તેનું જતન કરી ગુજરાતને હરિયાળુ બનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ ગુજરાત રાજ્યમાં વન મહોત્સવનો મુખ્ય હેતુ સમજાવતા સૌને જણાવ્યુ હતું કે, નાગરિકોમાં વૃક્ષોના સાંસ્કૃતિક/પારંપરિક મહત્વ સમજવા, ઔષધિય વૃક્ષોથી લોકોને માહિતગાર કરવા, વૃક્ષ ઉછેર સાથે લોકોને ભાવનાત્મક રીતે સાંકળવા, વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા, પર્યટનને પ્રોત્સાહન આપવા અને આપણી પ્રાચીન સંસ્કૃતિથી લોકોને માહિતગાર કરવા ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમ દ્વારા કોઇ એક સ્થળે સંસ્કૃતિક વન બનાવવામાં આવે છે. 73માં વન મહોત્સવ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં 22મા વટેશ્વર વનનું નિર્માણ કરવામાં આવ્યો છે. વન મહોત્સવએ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે, વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950માં કરવામાં આવી હતી. જેને આગળ ધપાવતા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજણવીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વધુમાં તેમણે “હર ઘર તિરંગામાં જોડાવા અપીલ કરી હતી. અંતે તેમણે વન વિસ્તારની દ્રષ્ટીએ તાપી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે. જિલ્લામાં વન વિસ્તારને વધારવા જનભાગીદારી જરૂરી છે એમ તેમણે ભાર આપ્યો હતો.
નાયબ વન સંરક્ષકશ્રી આનંદકુમારે સ્વાગત પ્રવચન કરતા તાપી જિલ્લાના વન વિસ્તાર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કૂલ ભૌગોલીક વિસ્તારમાં 30 ટકા જંગલ વિસ્તાર છે. કૂલ 9960 હેકટર અનામત જંગલ વિસ્તાર છે. જિલ્લામાં વધારે હરિયાળી લાવવા માટે આ વર્ષે 2867 હેક્ટર વિસ્તારમાં કૂલ-16.79 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. સમાજીક વનીકરણ દ્વારા 35 નર્સરીના માધ્યમથી 23 લાખ રોપા ઇમારતી, ઔષધિય, ફુલ, ફળાના રોપા ઉછેર કરવામાં આવ્યા છે. જેને સ્થાનિક ખેડુતને આપવાની સાથે કેનલ પ્લાન્ટેશન, રોડ સાઇડ પ્લાન્ટેશન, અને જાહેર જગ્યાએ ઉછેરવામાં આવશે.
*કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ડી.સી.પી નર્સરીના લાભાર્થીઓને ચેક વિતરણ અને કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સાથે પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે તિરંગો લહેરાવી તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા”અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમના અંતે વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકો “હર ઘર તિરંગા સાથે હર ઘર વૃક્ષ” ઉછેરવા માટે સંકલ્પબધ્ધ થયા હતા.*
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે અને આભારદર્શન મદદનીશ વન સંરક્ષક અરુણકુમાર વી દ્વારા કરાયું હતું.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી કાપડિયા, કારોબારી અધ્યક્ષશ્રી મોહનભાઈ કોકણી, પદ્મશ્રી રમીલાબેન ગામીત, માજી મંત્રીશ્રી કાંતિભાઈ ગામીત, ઉચ્છલ તાલુકા પ્રમુખ યાકુબ ગામીત, સોનગઢ નગરપાલિકા પ્રમુખ ટપુભાઈ, વિજ્ઞાન કોલેજ સોનગઢના પ્રિન્સિપાલ સુભાષભાઈ, સર્વે ફોરેસ્ટ ઓફિસર શ્રી હર્ષિતાબેન ચૌધરી, આર. કોસાળા, માર્ટના ગામીત, રૂચી દવે તથા વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા વન વિભાગના અધિકારીઓ/કર્મચારી શ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
00000000000