ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી સિંગણપોરના યુવકે 2 દીકરીની નજર સામે તાપીમાં ઝંપલાવ્યું
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરત-નદીમાં પાણીનું વહેણ તેજ હોવાથી યુવકનો મોડી સાંજ સુધી કોઈ પત્તો નહીં લાગ્યો
ફોન પુત્રીઓને આપી છલાંગ લગાવી, તરૂણીઓને રડતી જોઈ લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી
રાંદેર અને વેડરોડને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી સિંગણપોરના યુવકે પોતાની બે પુત્રીઓની નજર સામે જ તાપીમાં પડતું મુકી દીધું હતું. સિંગણપોર વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ પાંડવ(36)ગુરૂવારે બપોરે તેમની 13 અને 14 વર્ષીય બે પુત્રીઓ સાથે રાંદેર અને વેડરોડને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પગપાળા પસાર થતા હતા. દરમિયાન અશ્વિનભાઈએ તેમની પાસેનો મોબાઈલ ફોન પુત્રીઓને આપીને અચાનક તાપીમાં પડતું મુકી દીધું હતું. પિતાએ નજર સામે જ તાપીમાં પડતું મુકતા બન્ને પુત્રીઓ રડવા માંડી હતી.
બન્ને કિશોરીઓને રડતી જોઈ બનાવની જાણ થતા રાહદારીઓએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અશ્વિનભાઈની શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી શોધખોળ બાદ પણ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બનાવની જાણ થતા રાંદેર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી તપાસ શરૂ કરી હતી. જોકે અશ્વિનભાઈએ ક્યાં કારણસર તાપીમાં પડતું મુક્યું તે પોલીસ જાણી શકી ન હતી.
વરીયાવમાં તાપીમાં ગૃપ સાથે તરવા ગયેલા આધેડ વેપારી ધર્મેશ આસમાનીવાલા(54)નું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. વહેલી સવારે રાંદેર પાંચ પીપળા નજીક તેઓ ન દેખાતા ડૂબી ગયાની શંકાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાતાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના બે પુત્રો પૈકી એક સાઉથ આફ્રિકા અને એક પુણે ખાતે રહે છે.