પ્રથમ વખત બોડી વોર્ન કેમેરા સાથે રેલીમાં બારડોલી પોલીસનો બંદોબસ્ત
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : બારડોલી પોલીસે પ્રથમ વખત હાઇટેક ટેકનોલોજીથી સજ્જ પોલીસ જવાનોને આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે નીકળેલી રેલીમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો. બોડી વોર્ન કેમેરાથી રેલી કે જુલુશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહિ બને, તો જવાબદારોને આ કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોથી આરોપીને ઝડપથી શોધી શકાય સાથે જ આ કેમેરાનું લાઈવ રેકોર્ડિંગ એસપી કચેરી તેમજ ડી.જી. ઓફિસ ગાંધીનગર પણ લાઈવ જોઈ શકાતું હોવાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓની સીધી નજર રહે છે.
બારડોલીમાં થોડા દિવસ અગાઉ કોઈક ટીખળ ખોરે નગરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈ આદિવાસી દિવસ તેમજ મહોરમના બેવળા તહેવારોની ઉજવણીના કાર્યક્રમને લીધે નગરની શાંતિ અને સલામતી જળવાઈ રહે, માટે બારડોલી પોલીસે નવતર પ્રયોગ હાથ ધરી રેલીના બંદોબસ્તમાં બોડી વોર્ન કેમેરા સાથે 10 પોલીસ જવાનોને રેલી સમયે રાખી બંદોબસ્ત ગોઠવ્યો હતો.
બારડોલી તેમજ આસપાસના ગામના આદિવાસી સમૂહો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. પરંપરાગત આદિવાસી વાજિંત્રોના તાલે નાચગાન સાથે ઉલ્લાસભેર નીકળેલી રેલીમાં બારડોલી પોલીસે પ્રથમ વાર બોડીવોર્ન કેમેરા થી સજ્જ મહિલા અને પુરુષ જવાનોને બંદોબસ્તમાં ઉતારી નગરની શાંતિ જાળવી આદિવાસી દિનનો કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.