સુરતમાં બાળકોના હાથ, પગ, જીભ પર ચાંદાંની બીમારી
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : શહેરમાં 6 વર્ષ સુધીના બાળકોના હાથ, પગ અને મોઢામાં નાના નાના ગુલાબી રંગના ચાંઠાં દેખાઈ રહ્યા છે. સાથે તાવની પણ ફરિયાદ છે. બાળકોમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડોક્ટરોએ આ બીમારીને હેન્ડ-ફૂટ એન્ડ માઉથ ડિસીઝ નામ આપ્યું છે. શહેરમાં રોજના 500-600 કેસ સામે આવી રહ્યા છે.
આ રોગ કોક્સસૈકી એન્ડ ઇકો વાયરસથી થાય છે. અગાઉ 2017માં ઘણા બાળકો ચપેટમાં આવ્યા હતા. હવે 5 વર્ષ બાદ ફરી માથું ઉચક્યું છે. બાળકોને તરત જ ચેપ લાગે છે. જેથી નર્સરી, ડાન્સ ક્લાસ, પ્લેગ્રાઉન્ડમાં બાળકોને સાવચેત કરવા જરૂરી છે. બાળકોના મોં અને ગળામાં ફોલ્લા દેખાય છે. ઘણા તેને માતાજી કહે છે. પરંતુ તબીબોએ સ્પષ્ટ કહ્યું છે કે તેને આ રોગ ચેપી છે, જેથી સારવાર જરૂરી છે.આ રોગમાં એન્ટિબાયોટિક ન આપવી. બાળકોને બહારનો ખોરાક ન આપો. ઘરમાં હળવો ખોરાક જ આપો. બાળકોને મોઢામાં ફોલ્લા હોય તો પણ સૂપ, દહીં, ઈડલી, ઉપમા ખવડાવી શકાય. બાળક ચેપગ્રસ્ત હોય તો પણ માતાઓ સ્તનપાન કરાવે. અથવા ચમચી વડે દૂધ આપો. શાળાએ મોકલશો નહીં. તબીબની સલાહ વગર બાળકોને દવા ન આપો. > ડો. દર્શન ચૌહાણ, બાળરોગ નિષ્ણાંત