ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભાઇ-બહેનનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂનમનાં રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે. રક્ષાબંધન સ્વાર્પણ, શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઇ-બહેનનાં નિર્મળ પ્રેમનાં નિઃસ્વાર્થ સ્નેહનું પ્રતિક છે. એમાં રહેલી ધર્મ ભાવના, કર્તવ્ય પરાયણતા અને હૃદયની વિશાળતા રજૂ કરતું વ્રત અત્યંત આદરણીય અને પાવનકારી છે.
આજરોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળા ખાતે ભાઈ-બહેનનાં પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સહઅભ્યાસી વિદ્યાર્થીઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનાં શિક્ષકો દ્વારા તમામ બાળકોને બિસ્કિટ તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળાનાં આચાર્ય હેમલતા પટેલ દ્વારા બાળકોને ભાઈ-બહેનનાં આ પવિત્ર તહેવારનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉજવણી કાર્યક્રમને આનંદપ્રદ બનાવવા શાળાનાં ઉપશિક્ષિકા જયોતિ પટેલે બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરાવી હતી. કરંજનાં કેન્દ્રાચાર્યા શ્રીમતી જાગૃતિ પટેલે કેન્દ્ર સંલગ્ન તમામ પ્રાથમિક શાળાઓનાં બાળકો તેમજ શિક્ષકોને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.