બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમનાં ભાગરૂપે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચવાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય વગેરે જેવાં વિવિધ કૌશલ્યોનાં વિકાસનાં ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એવાં શુભ હેતુસર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનાં ભાગરૂપે સને ૨૦૧૬ થી પ્રતિવર્ષ કલા ઉત્સવનું આયોજન રાજ્યભરની શાળાઓમાં કરવામાં આવે છે. જેના ભાગરૂપે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ચિત્રકલા સ્પર્ધા, બાળ કવિ સંમેલન તેમજ સંગીત સંમેલન ( ગાયન અને વાદન ) નું તાલુકા કક્ષાનું આયોજન અત્રેનાં બી.આર.સી. ભવન ખાતે કરવામાં આવ્યું હતું.
તાલુકા કક્ષાની આ વિવિધ સ્પર્ધાઓમાં સી.આર.સી. કક્ષાએ વિજેતા વિવિધ પ્રાથમિક શાળાઓનાં કુલ ૪૪ બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. સ્પર્ધાનાં પ્રારંભે બી.આર.સી કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે સ્પર્ધક બાળકો, માર્ગદર્શક શિક્ષકો તેમજ નિર્ણાયકોને સમગ્ર કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરી તેની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઉપપ્રમુખ મહેશ પટેલ, ગિરીશ પટેલ તથા દેવાંગસુ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયેલ આ સ્પર્ધાઓમાં તમામ સ્પર્ધક બાળકોએ પૂરા ઠાઠ સાથે પોતાની સુષુપ્ત કલા અને પ્રતિભાને વટભેર રજૂ કરી હતી. બાળકોની આંખોમાં તિરંગાની આન-બાન-શાન જાણે સ્પષ્ટ નીતરતી દેખાતી હતી. તેમની ક્ષમતાઓ જોઈ નિર્ણાયકો સહિત અન્ય દર્શકગણ અભિભૂત થયા હતાં.
સ્પર્ધાનાં અંતે નીચે મુજબ પરિણામો ઘોષિત થયા હતાં. ચિત્રકલા સ્પર્ધા : પ્રથમ – ક્રિષ્ના એમ. પટેલ (કુવાદ પ્રા.શાળા), દ્વિતીય – તહુરાબાનો મહંમદ અકબર (અસ્નાબાદ પ્રા.શાળા), તૃતિય – અંશ એસ. પટેલ (કરંજ પ્રા.શાળા); બાળકવિ સ્પર્ધા : પ્રથમ – રીચા એચ. પટેલ (કુદિયાણા પ્રા.શાળા), દ્વિતીય – ધ્વનિ ડી. ભટ્ટ (અસ્નાબાદ પ્રા.શાળા), તૃતિય – રાધા એચ. વિશ્વકર્મા (કીમ પ્રા.શાળા); ગાયન સ્પર્ધા : પ્રથમ – વેન્સી સી. આહિર (ભાંડુત પ્રા.શાળા), દ્વિતીય – બબલી બી. ગૌડ (અસ્નાબાદ પ્રા.શાળા), તૃતિય – ખુશી એસ.રાઠોડ (ઓરમા પ્રા.શાળા); વાદન સ્પર્ધા : ઝાકીર રમજાન પઠાણ (સાયણ પ્રા.શાળા), દ્વિતીય – સાગર બી. ગૌસ્વામી (સીથાણ પ્રા.શાળા), તૃતિય – યુગ જી. પટેલ (કુવાદ પ્રા.શાળા)
વિજેતા બાળકોને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. પ્રથમ ક્રમે વિજેતા બાળકો હવે જિલ્લા કક્ષાનાં કલા ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. જેઓને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે અભિનંદનસહ શુભેચ્છા પાઠવી હતી.
સ્પર્ધાનાં નિર્ણાયકો તરીકે સી.આર.સી. કો-ઓર્ડિનેટરો તેમજ વિવિધ પ્રાથમિક શાળાઓનાં જે તે વિભાગનાં નિપુણ શિક્ષક ભાઈ-બહેનોએ સેવા બજાવી હતી. સ્પર્ધાનાં કન્વીનરો રાકેશ મહેતા, હર્ષદ ચૌહાણ તથા આકાશ પટેલે સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડ્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.