માત્ર 48 કલાકમાં જ 1.43 લાખ તિરંગાનું વિતરણ
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : –આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગતપાલિકાએ પણ વિશેષ તૈયારીઓના ભાગરૂપે કુલ 416 સેન્ટરોથી ધ્વજનું વિતરણ શરૂ કર્યું છે. શહેરભરના 12 લાખ ઘરો પર તિરંગો લહેરાય તેવા આયોજન સાથે શરૂ કરાયેલા સેન્ટરો પર ગણતરીના 48 કલાકમાં જ શહેરીજનોએ 1,43,460 ધ્વજ લીધાં હતાં. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 13મી ઓગસ્ટથી સ્વતંત્રતા સપ્તાહ ઉજવવામાં આવશે.
દરમ્યાન શહેરમાં હર ઘર તિરંગા થીમ મુજબ સમગ્ર સરકારી મિલકતો-કચેરીઓ પર ધ્વજ લગાવવામાં આવશે. હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ શહેરમાં 12 લાખ ઘરો પર તિરંગો લહેરાય તેવા આયોજન માટે કવાયત શરૂ કરી છે. શહેરીજનોને ઘર નજીકમાં જ તિરંગો મળી રહે તે માટે 416 તિરંગા વેચાણ કેન્દ્ર શરૂ કરાયાં છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે કહ્યું કે, શહેરની તમામ 106 વૉર્ડ ઓફિસ, 25 નાગરિક સુવિધા કેન્દ્ર, 17 ફાયર સ્ટેશન, 17 સ્વિમિંગ પુલ, 216 પ્રા. શાળા, 14 સુમન શાળા, 3 લાયબ્રેરી, 8 ગાર્ડન અને 10 બીઆરટીએસ સ્ટેશન પરથી તિરંગાનું વેચાણ કરાશે. તેમણે કહ્યું કે, સેન્ટર શરૂ થવાના 48 કલાકમાં જ 1,43,460 ધ્વજ લોકોએ લઇ લીધાં છે.