સુરતમાં પાંચ કૃત્રિમ તળાવમાં દશામાની 8177 મૂર્તિઓની વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
(મુન્ના ઠાકુર દ્વારા, સુરત) : સુરતમાં ઉજવાયેલા દશામાના તહેવારની ઉજવણી પુરી થતાં માતાજીની પ્રતિમા વિસર્જન પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું. સુરત કોર્પોરેશનએ શહેરમાં 5 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. જેમાં 8177 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
શ્રીજી અને દશામાની પ્રતિમાનું વિસર્જન તાપી નદીમાં પહેલા વિસર્જન થતું હતું. હવે એન.જી.ટી.ના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે કોઈ પણ પ્રતિમાનું વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. આ પ્રતિબંધ છતાં પણ સુરતમાં દરેક તહેવારની ઉજવણી ઉત્સાહ અને ઉમંગથી કરવામા આવી રહી છે. તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સુરત મ્યુનિ. તંત્ર દર વર્ષે દશામા અને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવે છે. તેમાં પ્રતિકાત્મક વિસર્જન બાદ આ પ્રતિમાને સન્માનપૂર્વક દરિયામાં વિસર્જન કરવામાં આવે છે.
ગઈકાલ રાતથી આજે વહેલી સવાર સુધીમાં હજારોની સંખ્યામાં દશામાના ભક્તો દ્વારા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને કોર્પોરેશન દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. દશામાની આસ્થાને કોઈપણ પ્રકારે ઠેસ ન પહોંચે તેની ખાસ કાળજી વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી હતી.