તાપી જિલ્લાના RSETI સંસ્થાન બરોડા દ્વારા સખી મંડળની બહેનોને રાખડી બનાવટ અને હર્બલ સાબુ બનાવટ તાલીમ કાર્યક્રમની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયા

Contact News Publisher

રાખડી અને હર્બલ સાબુ બનાવટની તાલીમ લેતી સખી મંડળની બહેનોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ પ્રોત્સાહિત કર્યા
……………..
“હર ઘર તિરંગા” ની થીમ પર તાપી જિલ્લાની સખી મંડળની “હર ઘર તિરંગા રાખડી બનાવશે”
– જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
………………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી).તા.05: તાપી જિલ્લાના બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા સખી મંડળની બહેનોને રાખડી બનાવટ અને હર્બલ સાબુ બનાવટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ RSETI ભવન ઇન્દુ ગામની મુલાકાત લઇ તાલીમ લઇ રહેલા બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડીએલએમ પંકજ પાટીદાર, બરોડા બેંકના મેનેજર વિનય પટેલ, લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર પ્રવિણ ચૌધરી અને RSETIના ડિરેક્ટર ઉમેશ ગર્ગ સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં રોજગાર મેળવવા માટે સ્પર્ધા વધી છે. ત્યારે દરેક વ્યક્તિ પાસે ‘વધુ મહેનત અને સતત મહેનત’ એક ઉપાય છે. તેમણે તાપી જિલ્લામાં કૌશલ્યવર્ધન, બેંક ધિરાણ અને સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી યુવક-યુવતી અને મહિલાઓને આત્મનિર્ભર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એમ ઉમેર્યું હતું. ઓર્ગેનીક ખેતી, મશરૂમ ખેતી, મસાલા,પાપડ બનાવટ, બામ્બુ બનાવટ, પશુ પાલન જેવી વિવિધ બાબતોને સાંકળી પરંપરાગત વ્યવસાય અને રોજગાર દ્વારા બહેનો પગભર થાય તે માટે સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને આર્થિક પ્રગતિ સાધવા બહેનોને ખાસ અનુરોધ કર્યો હતો.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં સખીમંડળના 10 હજાર ગૃપો કાર્યરત છે, તે પૈકી પાંચ હજાર જેટલા ગ્રુપ તો ખરેખર ખૂબ જ સક્રિય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ફક્ત તાલીમ આપવાથી કામ પૂર્ણ થતું નથી પરંતુ સખીમંડળની બહેનોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી આજીવિકા મિશન અંતર્ગત રિવોલ્વિંગફંડ તેમજ રો-મટિરિયલ,તાલીમ, ટ્રાન્સપોર્ટેશન, માર્કેટીંગ, હોટલ પ્રમોશન માટે નાણાં જરૂર પડે તો તે પણ પૂરા પાડવામાં આવે છે.
ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માં ૬૦૦ જેટલા તાલીમાર્થીઓ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૩૦૦ જેટલા બહેનો અલગ અલગ વ્યવસાયમાં તાલીમ લઇ ચુક્યા છે.
રાખડી અને ઓર્ગેનિક સાબુ બનાવવાની તાલીમ છે એ ખરેખર મહત્વની તાલીમ છે. આજે લોકોમાં ઓર્ગેનિક પ્રોડક્ટની ખૂબ જ ડિમાન્ડ ચાલી રહી છે. ખાસ તેમણે જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં આવેલા જે પ્રવાસન સ્થળો જેમાં પદમડુંગરી, આંબાપાણી,જેવી જગ્યાઓએ હર્બલ સાબુ, અગરબત્તિ ના સ્ટોલ નાખવામાં આવશે કે જેથી સખી મંડળની બહેનો પોતાના પ્રોડક્ટનું વેચાણ કરી શકે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ૬ ઓગસ્ટથી રાખડી મેળો શરૂ થાય છે જેમાં બહેનો દ્વારા વિવિધ પ્રકાર બનાવેલી રાખડીઓનું વેચાણ વ્યારા શહેરમાં કરવામાં આવશે તેમ ઉમેર્યુ હતું .
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ બહેનોને પ્રોત્સાહિત કરતા “હર ઘર તિરંગા” ની થીમ પર તાપી જિલ્લાની સખીમંડળની બહેનો ખૂબ મોટી સંખ્યામાં “હર ઘર તિરંગા રાખડી” બનાવશે.આ રાખડી દરેક ગ્રામ પંચાયતમાં તિરંગાનું વેચાણ થશે તેમની સાથે પ્રતીકાત્મક રીતે રાખડીનો પણ વેચાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે “આઝાદી કા અમૃત મહોત્સવ”ના અવસર પર તાપી જિલ્લાની બહેનોએ “હર ઘર તિરંગા” ના માધ્યમથી લોકોમાં રાષ્ટ્રધ્વજની ભાવના જગાડવાનો નિર્ધાર કર્યો છે.

આ પ્રસંગે 6 દિવસીય રાખડી અને હર્બલ સાબુ બનાવટની તાલીમમાં જોડાયેલા સુરત અને નર્મદાથી આવેલ ટ્રેનર બહેનો, વાલોડ તથા વ્યારા તાલુકાથી આવેલ તાલીમાર્થી બહેનોએ પોતાના અભિપ્રાય આપતા સૌનો આભાર માન્યો હતો.
RSETI સાથે સંકળાયેલા ગેસ્ટ ફેકલ્ટી સમીમબેન શેખ તથા આરાધના વસાવાએ પોતાના અનુભવો સૌ સાથે અભિવ્યક્ત કરી પોતાની પસંદના કામ સાથે જોડાઇ રહેવા સૌ બહેનોને આગ્રહ કર્યો હતો.
આ કાર્યક્રમમાં 4 ઓગસ્ટે મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લૉન્ચ થયેલ “હર ઘર તિરંગા” થીમ સોંગને પ્રસ્તુત કર્યું હતું, જેને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ,મહાનુભવો તથા તાલીમર્થી બહેનો સહિત ઉપસ્થિત તમામે નિહાળી હતી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other