પાલગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 319 માં ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૩ ક્રાંતિનાં આ ઓગસ્ટ મહિનામાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે શાળામાં વેશભૂષા સ્પર્ધા, વક્તુત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજનાં ઓગસ્ટમાં એ ક્રાંતિનો મહિનો હોય આઝાદી સાથેનો એનો એક વિશિષ્ટ સંબંધ છે જે સંદર્ભે શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતનાં ઉપાધ્યક્ષ શ્રીમતી સ્વાતિબેન સોસા તથા સુરત પોલીસ કંટ્રોલરૂમનાં એસીપી શ્રી આઈ. એન. પરમાર સાહેબની ઉપસ્થિતિમાં ભારતમાતા પૂજનનાં કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
સ્વાતિબેને વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ અને નાગરિક તરીકેની આપણી ફરજો વિશે માહિતી આપી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા હતાં. એસીપી પરમાર સાહેબે વિદ્યાર્થીઓને પોલીસ ખાતાની કામગીરી અને પોલીસ એ સમાજની સુરક્ષા કઈ રીતે કરે છે તેની જાણકારી આપી પોતાનાં સંઘર્ષમય જીવનની ઝાંખી દ્વારા મનોબળ અને પરિશ્રમ દ્વારા કંઈ પણ મેળવી શકાય છે અને ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે તે સ્થાપિત કર્યું.
સ્થાનિક કોર્પોરેટર નિલેશભાઈએ ઉપસ્થિત રહી પોતાની આ માતૃશાળાનાં સંસ્મરણો વાગોળ્યા. વેશભૂષા સ્પર્ધાનાં સ્પર્ધકો ક્રાંતિવીરોની વેશભૂષા પરિધાન કરી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા. વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા. શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારે મહેમાનોનો પરિચય આપી શાળાની પ્રવૃત્તિઓથી એમને વાકેફ કર્યા. તેમણે આઝાદી પર્વની ઉજવણી નિમિત્તે શાળા દ્વારા થનારી આગામી પ્રવૃત્તિઓની રૂપરેખા પણ રજૂ કરી હતી.