“પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ ઘર પાકુ બન્યું.”-લાભાર્થી ધનકલાબેન ચૌધરી
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાંજણ ગામે રહેતા ધનકલાબેન ચૌધરીનું પોતાનું પાકું ઘર બનાવવાનું સપનું થયું સાકાર
………………………
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ આવાસ નિર્માણનું કાર્ય લોકહિત માટે અસરકારક અને ખૂબ જ ઉપયોગી પગલું છે: -ડી.આર.ડી.એ ડાયરેક્ટર અશોક ચૌધરી
………………………
-સંકલન-સંગીતા ચૌધરી
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૦૧: સમાજનો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પોતાના સપનાનું ઘર બનાવવાનું સ્વપ્ન જોતો હોય છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ સ્વપ્નને સાકાર કરવા માટે ભારત સરકાર દ્વારા દેશના દરેક નાગરિકના હિત માટે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે જે આમ લોકોના પાકા મકાનો બનાવવાના સ્વપ્ન સાકાર કરવામાં આશિર્વાદ રૂપ બની રહી છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ સરકાર બેઘર લોકોને ઘર બનાવવા માટે સહાય પુરી પાડે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના બે પેટા-વિભાગોમાં વહેચાયેલી છે. (1)પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને (2) પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી. આ યોજના હેઠળ પુરૂષોની સરખામણીમાં મહિલાઓને ઘણા ફાયદા મળે છે. મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા મહિલા અરજદારને વધુ સબસિડી આપવામાં આવે છે. આમ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ભારત દેશમાં વસતા તમામ નાગરિકો પાસે પોતાનું માલિકીનું ઘર હોય તે ઇચ્છાથી ભારત સરકાર દ્વારા પીએમ આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા નાગરિકોને ઘર બનાવવા માટે આર્થિક રીતે સહાય આપવામાં આવે છે જેમની પાસે પોતાનું મકાન નથી તે લોકો આ યોજના હેઠળ અરજી કરીને પોતાનું મકાન બનાવવા માટે આર્થિક રીતે સહાય મેળવી શકે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવતા તાપી જિલ્લાના લાભાર્થી ધનકલાબેન અરૂણભાઈ ચૌધરી તેઓના એક પુત્ર, એક પુત્રી સાથે વ્યારા તાલુકાના કાંજણ ગામે પોતાના પાકા મકાનમાં રહે છે. માહિતી વિભાગ સાથેની ચર્ચામાં તેમણે જણાવ્યું હતું કે, “મારા પતિ અરૂણભાઇ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પહેલા અમારું કાચુ મકાન હતું અને બાળકો નાના હતા. જે આવક થતી તેમાંથી નજીવી મુડી બચત કરી શક્તા હતા. અને અમે ઘર મોટું અને સારૂં બનાવવા માંગતા હતા એટલે અમે થોડા રૂપિયા ભેગા કર્યા હતા. પરંતુ આ રકમ અમારા સ્વપ્નને સાકાર કરવા પૂરતી ન હતી. ત્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે જાણ થતા મેં આવાસ માટે ફોર્મ ભર્યું હતું. અને વર્ષ ૨૦૨૧-૨૨પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમને ૧,૨૦,૦૦૦ હજાર રૂપિયાનું આવાસ મંજુર થયું. અમે મોટું ઘર બનાવવા માંગતા હતા તેથી થોડા રૂપિયા ઉમેર્યા જેથી આજે અમારૂ ઘર પાકુ બનીને તૈયાર થઇ ગયું છે. આમ અમને આ યોજના થકી ૧,૨૦,૦૦૦ રૂપિયા તેમજ મનરેગાની યોજના થકી ૨૦,૬૧૦ રૂપિયા સહાય મળી છે.
પહેલા કાચા મકાનમાં અમને ઘણી તકલીફો પડતી હતી પરંતુ હવે અમે પાકા મકાનમા રહીએ છીએ અને ખુબ જ ખુશ છીએ. સરકાર તરફથી અમને જે સહાય મળી છે. જેનાથી આજે અમે અમારા સ્વપ્નનું ઘર બનાવી શકયા છીએ તે માટે અમે સરકારના ખુબ ખુબ આભારી છીએ.
તાપી જિલ્લા ડીઆરડીએ ડાયરેક્ટ અશોક ચૌધરી આ અંગે જણાવે છે કે,શ્રી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના ઉત્થાનની પ્રક્રિયા એમણે પોતાના હાથ ઉપર લીધી છે. વર્ષ ૨૦૧૪ માં પ્રધાનમંત્રી આવાસ યોજના તેમને લોન્ચ કરી હતી. જે લોકો ઘરથી વંચિત હોય એવા લોકોને એમનું પોતાનું ઘર હોય એવુ સ્વપ્ન પૂર્ણ થાય એ આશયથી આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ યોજના માટે આવાસ પ્લસ સોફ્ટવેરમાં એલીજેબલ જે કેન્ડીડેટ્સ છે એમની એન્ટ્રી થયેલ છે. એમાં પણ દર વર્ષે જે લક્ષ્યાંકો આપવામાં આવે છે એની પણ પસંદગી આ સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે.
તેમજ લાભાર્થીને પોતાના ફ્લેટ હોય તો તેમને ૧,૨૦,૦૦૦ રૂપિયાની સહાય તેમજ ૨૦,૦૦૦ જેટલાં મનરેગા માંથી મળે છે તથા ૧૨૦૦૦ હજાર રૂપિયા શૌચાલય માટે, ૫૦૦૦ રૂપિયા બાથરૂમ અને પોતાનો ૩૦૦૦ રૂપિયા નો ફાળો હોય છે. આમ, કુલ મળીને અંદાજે ૧, ૫૭,૦૦૦ હજાર રૂપિયા જેટલી સહાય મળવા પાત્ર છે.
આમ જોઈએ તો તાપી જિલ્લામાં લગભગ ૭,૪૨૩ આવાસોનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાં આજની તારીખે જોઈએ તો ૬,૫૪૫ આવાસ પૂર્ણ થયેલ છે અને બાકીના ટૂંક સમયમાં પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું.
ડીઆરડીએ ડાયરેક્ટર અશોક ચૌધરીએ પોતાના અંગત અનુભવોની વાત કરતાં જણાવ્યું હતું કે, અમે જ્યારે ફિલ્ડ પર જતા હોઈએ છીએ ત્યારે જેમના આવાસો બનતા હોય કે બની ગયા હોય તેવા લાભાર્થીઓની મુલાકાત પણ અમે લેતા હોઈએ છીએ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાથી એમનું પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન ખરેખર પૂરું થયું હોય એવા ભાવો અમને જોવા મળ્યા છે. આમ ખરેખર આ સરકાર દ્વારા થઇ રહેલું ઉમદા કાર્ય છે. જે સરકારની આગવી ઓળખ ઉભી કરે છે.
વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ આ કાર્ય લોકહિત માટે અસરકારક અને ખૂબ જ ઉપયોગી પગલું છે એમ કહી શકાય.
અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભની સાથે-સાથે વીજ કનેકશન, ઉજજવલા યોજના હેઠળ ગેસ કનેકશન, સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય અને બાથરૂમ, આમ અન્ય સરકારી યોજનાના કનવઝૅન સાથે વિવિધ લાભો અને સહાય આપવામાં આવે છે.
આજે જ્યારે દરેક કુટુંબને પોતાના ઘર હોવાના સ્વપ્નની ભેટ આપવા વર્તમાન સરકાર પ્રતિબધ્ધ છે ત્યારે તાપી જિલ્લામાં “સૌના માટે આવાસ” હાઉસીંગ ફોર ઓલ મિશન અંતર્ગત પોતાની માલિકીની જમીનમાં ઘર બાંધવા માટે સહાય આપવાનું જાહેર કરવામાં આવેલ છે. જેનાં અનુસંધાને ગ્રામ્ય વિસ્તારમાં સરકારશ્રી દ્વારા આ યોજનાનાં લાભાર્થીને પોતાના બેંકના ખાતામાં ૧,૨૦,૦૦૦ રૂપિયાની સહાય જુદા જુદા હપ્તા દ્વારા ચુકવવામાં આવે છે. જેમાં ૨૦૨૦થી આજ દિન સુધી તાપી જિલ્લામાં ૭૪૨૩ લાભાર્થીને આ યોજનાનો લાભ આપવામાં આવેલ છે. જેમાંથી ૬૫૪૫ જેટલા લાભાર્થીઓની આવાસની કામગીરી પુર્ણ કરેલ છે.
0000000000000