તાપી જિલ્લામાં પ્રજાની સેવા માટે નિમાયેલ ઉચ્ચ અધિકારીઓમાં જવાબદારી અને સેવા નિષ્ઠા અપાર ભરી છે: જેનું ઉદાહરણ તાજેતરમા યોજાયેલ એક બેઠકમાં લેવાયેલ નિર્ણય ઉપરથી જોઇ શકાય છે.
પ્રજા સાથે અન્યાય થાય ત્યારે પ્રજાના આગેવાનની ભૂમિકામાં જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા કડક પગલા લેતા ખચકાતા નથી
…………….
પીએમજય કાર્ડના લાભાર્થીઓને વિના કારણ લાભ આપવાથી વંચિત રાખી ખોટી રીતે લાભાર્થીઓની દુવિધામાં મુકતી હોસ્પિટલોને બ્લેક લિસ્ટ કરવામાં આવશે: જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા
…………….
હોસ્પિટલો સંવેદનશિલ બની તમામ આરોગ્યલક્ષી લાભોથી લાભાર્થીઓ વંચિત ન રહે તે સુનિશશ્વિત કરવા તાકીદ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
…………….
-આલેખન-વૈશાલી પરમાર
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.28: તાપી જિલ્લાના કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા સ્વભાવે સરળ અને મિતભાષીની છાપ ધરાવે છે. પરંતુ જિલ્લાની પ્રજા સાથે અન્યાય થાય ત્યારે આજ સરળ વ્યક્તિ એક આગેવાનની ભૂમિકામાં કડક પગલા લેતા ખચકાતા નથી. જેનું ઉદાહરણ તાજેતરમા એક બેઠકમાં થયેલ ચર્ચા ઉપરથી જોઇ શકાય છે. તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં તાપી જિલ્લા આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની કમિટીઓની સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમા માતા અને બાળ મરણ સર્વેલન્સ રિસ્યોન્સ કમિટી, જિલ્લા ગ્રીવન્સ રીડ્રેસેલ કમિટી, સંચારી રોગચાળા સમિતી, ગવર્નિગ બોડી કમિટી, જિલ્લા આરોગ્ય સંકલન સમિતી, જિલ્લા ક્વાલિટી એસ્યોરન્સ કમિટી, જિલ્લા ટાસ્ક ફોર્શ ઈમ્યુનાઈઝેશન, જિલ્લા એડોલેશન હેલ્થ કમિટી, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, ફેમિલી પ્લાનિંગ ઈન્ડેમીનીટી સ્કીમ, જિલ્લા આશા રિસોર્સ કમિટીની સમિક્ષા કરવામા આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ગ્રીવન્સ રીડ્રેસેલ કમિટીમાં જિલ્લાના પીએમજય કાર્ડના લાભાર્થીશ્રી મનોજભાઇ માહ્યાવંશીએ સુરતની પ્રખ્યાત હોસ્પિટલમાં પોતાના પરિવાર સાથે થયેલા અન્યાય અંગે આપવિતી રજુ કરી હતી. જેના તમામ પાસાંઓની સમિક્ષા કરી બન્ને પાત્રોની દલીલો અને આધાર પુરાવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પાસાઓને પગલે કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ સંબંધિત હોસ્પિટલને લાભાર્થી પાસેથી લીધેલા ટ્રીટમેન્ટનો ખર્ચ ચુકવવા ક્ડક શબ્દોમાં સુચના આપી હતી. વધુમાં તેમણે ઉપસ્થિત વિવિધ હોસ્પિટલના પ્રતિનિધિઓને ખાસ તાકીદ કરતા જણાવ્યું હતું કે, કોઇ પણ હોસ્પિટલ જે પીએમજય કાર્ડ કે અન્ય આરોગ્યલક્ષી સુવિધાથી લાભાર્થીઓને યોગ્ય કારણ વિના લાભ આપવાથી વંચિત રાખી ખોટી રીતે દુવિધામાં મુકશે તો તેઓને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને પીએમજય કાર્ડના તમામ લાભાર્થીઓ સમયાંતરે આધારલીંક કાર્ડ ધરાવતા હોય તે અંગે જાગૃત કરવા તથા બ્લેક લિસ્ટ થયેલ હોસ્પિટલોની યાદી અંગે સરકારશ્રીમાં યોગ્ય પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ આ પ્રસંગે તમામ હોસ્પિટલોને સંવેદનશિલ બની તમામ આરોગ્યલક્ષી લાભોથી લાભાર્થી વંચિત ન રહે તે સુનિશશ્વિત કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે આરોગ્ય વિભાગને એવી હોસ્પિટલો જેમાં નાગરિકોને વારંવાર લાભ ન આપવાના બનાવો બની રહ્યા હોય તેના કારણોની તપાસ હાથ ધરવા જણાવ્યું હતું. આ તપાસ બાદ સરકારશ્રીમાં જરૂરી સુધારા-વધારા કરવાના મુદ્દાઓ નોંધવા ખાસ સુચવ્યું હતું.
અગાઉ પણ જિલ્લા કલેકટરશ્રી દ્વારા આત્મિયતાપૂર્વકના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં હનુમંતિયા ગામે દિપડાનો ભોગ બનનાર બાળાના પરિવારને પાંચ લાખની સહાય, એક વિધવા બહેનને એક જ દિવસમાં ગગા સ્વરૂપા યોજનામાં આવરી લેવા માટે જરૂરી પગલા લઇ તુરંત સહાય મંજુર કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તાજેતરમા થયેલ ભારે વરસાદમાં તમામ રસ્તાઓના રેસ્ટોરેશન કામ વીજળી વેગે પુરા કરાવવા, ખેતીમાં થયેલા નુકશાનની સહાય પુરી પડવા અને જિલ્લાના યુવાનો કારકિર્દી બનાવી શકે તે માટે દરેક ગામમા લાઇબ્રેરીનો કોન્સેપ્ટ લાવવા જેવા પ્રજાલક્ષી કામો તાપી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ થયા છે. બે અઠવાડિયા પહેલા ભારે વરસાદમાં પુર ઝડપે વહેતી નદિઓને, જંગલોના રસ્તાઓ પાર કરી, ભયંકર વરસાદ અને ભોજન પાણીની ચિંતા કર્યા વિના જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા દ્વારા નાગરિકોની સ્વયં મુલાકાત લઇ પરિસ્થિતીનો તાગ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.
આવા બનાવોથી જાણી શકાય છે કે, તાપી જિલ્લામાં પ્રજાની સેવા માટે નિમાયેલ ઉચ્ચ અધિકારીઓમાં જવાબદારી અને સેવા નિષ્ઠા ખુટી ખુટીને ભરી છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ મક્કમ નિર્ણય લેવાની ક્ષમતા સાથે સાથે મૃદુતા પૂર્ણ વ્યવહારની શૈલી ધરાવે છે. જેના કારણે તાપી જિલ્લામાં પરિણામલક્ષી નિર્ણયો થકી ગુણવત્તા યુક્ત કામગીરી થઇ રહી છે.
૦૦૦૦૦0000000000000qa