તાપી જિલ્લામાં માવઠાથી થયેલા નુકશાન બદલ ખેડૂતોને સહાય ચૂકવાશે
ખેડૂતો તા.31મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, જિલ્લામાં ગત ઓક્ટોબર અને નવેમ્બર-૨૦૧૯ માસ દરમ્યાન થયેલા કમોસમી વરસાદથી ખેતીના પાકોને થયેલા નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે.
જે અંતર્ગત સરકારશ્રીનાં ઠરાવ અનુસાર તાપી જિલ્લામાં ખાતાદીઠ ડોલવણ, વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાને ૬૮૦૦/- રૂપિયા પ્રતિ હેકટર (વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં), અને સોનગઢ તાલુકાને રૂ.૪૦૦૦/- સહાય મળવાપાત્ર થાય છે.
આ સહાયનો લાભ લેવા માટે ખેડુતોએ ગ્રામ પંચાયત ખાતે વી.એલ.ઇ કોમ્યુટર ઓપરેટર મારફતે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર તા: ૩૧ ડીસેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે (૧) ૭/૧૨, ૮અ (૨) તલાટી ક્મ મંત્રીનો વાવેતરનો દાખલો (૩) બેંક ખાતુ અધારકાર્ડ સાથે લીંક કરાવેલ હોય તેવી બેંક પાસબુકની નકલ (CIFSC CODE સાથે), (૪) આધારકાર્ડની નકલ, જેવા સાધનિક કાગળો જરૂરી છે.
ઓનલાઇન કરેલી અરજીની પ્રીન્ટ મેળવી તેમાં ખેડુત ખાતેદારે સહી કરી, ઉપર મુજબનાં તમામ સાધનિક કાગળો સહિતની અરજી, તેમજ સંયુક્ત ખાતાના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર છે, જે અંગેનું સંયુક્ત ખાતેદારનું સંમતિ પત્રક ફરજીયાત આપવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક/તાલાટી, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી), અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક સાધવા પણ જણાવાયું છે.