તાપી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા : સોનગઢ તાલુકાના બોરદા ગામે ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નું ઉષ્માભર્યું સ્વાગત
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.૧૮: ગુજરાત સરકારશ્રીની 20 વર્ષની વિકાસયાત્રાના ભાગરૂપે સરકારની વિકાસગાથા ગામેગામ અને છેવાડાના માનવી સુધી પહોંચે એ હેતુથી રાજ્ય સરકાર આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા-૫ વિસ્તારમાં આવી પહોંચતા તાપી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સરિતાબેન વસાવાના અધ્યક્ષસ્થાને બાળકીઓએ ઉત્સાહભેર સામૈયું કરી વિકાસ રથ યાત્રાનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
બોરદા ગામે તાપી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સરિતાબેન વસાવાના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અને મહિલાઓ-બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ છેલ્લા બે દાયકાની વિકાસ ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
સોનગઢ તાલુકાના બોરદા-૫ વિસ્તારના બોરદા, કુઇલીવેલ, આમલપાડા, સાતકાશી, બાવલી, પાકુવા, ગુંડી, ફતેપુર, માંડવીપાણી, વાજપુર, બુધવાડામાં ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાએ લોકોને સરકારની યોજનાના લાભોની માહિતી પહોંચતી કરી હતી. વિકાસ યાત્રાના રથ પર એલઈડી સ્ક્રીન દ્વારા લોકોને સરકારની આર્થિક સહાયથી પગભર થયેલા લોકોની ગાથા પણ રજૂ કરાઈ હતી.
વધુમાં ગુજરાત સરકારશ્રીની 20 વર્ષની વિકાસયાત્રાના ભાગરૂપે સોનગઢ તાલુકાના ગામેગામ ભ્રમણ કરી રહેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ થકી જે તે ગામોમાં જઈ સરકારની વિકાસલક્ષી યોજનાની જાણકારી અને સાફલ્ય ગાથાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ-ફિલ્મોનું નિદર્શન કરી દરેક ગામોમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકિય સહાયનું વિતરણ, વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે માજી તાલુકા પંચાયતના સભ્ય રામસિંગભાઇ વસાવા, PHCના અધિકારીઓ અને સ્ટાફ, સરપંચશ્રીઓ, તલાટી, ગ્રામ પંચાયત સભ્યો, ગામના આગેવાનો સહિત અન્ય અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, આંગણવાડીની બહેનો અને શિક્ષકો તથા શાળાના બાળકો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
00000000ઔ