નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પાલ ગામની શાળા નંબર 319 માં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : પાલ ગામ સ્થિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319માં અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું જેમાં ગોરમા ગીત સ્પર્ધા, કેશગૂંફન સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, મિસ ગોરમા – મિસ્ટર કેસરિયા સ્પર્ધા જેવી જુદી જુદી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સવ ઉજવણીની સાથે મજા પડે એવો માહોલ રચાયો હતો.
આઝાદીકા અમૃત પર્વ નિમિત્તે શાળામાં સ્વચ્છતા અભિયાન પણ ચાલતું હતું. જેમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અને પર્યાવરણની જાગૃતિ વિષય પર નિબંધ, વકૃત્વ અને ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડિયાના આજના અંતિમ દિવસે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા શપથ લેવડાવ્યા હતા તથા પખવાડિયા દરમિયાન થયેલી વિશેષ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાંથી પધારેલ યોગેશજી અને સમયસિંહ દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી શાળામાં યોજાયેલ બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાને પણ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ઉજવ્યો હતો. બાળમેળામાં કાગળ કામ, કાતરકામ, ચીટક કામ, વાર્તાનું નાટયકરણ, છાપકામ, વિજ્ઞાનના સાદા પ્રયોગો વગેરે જેવી પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ બનાવેલ નમૂનાઓ જોઈને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારી મિત્રો રાજી થયા હતા. લાઈવ સ્કીલ મેળામાં વિદ્યાર્થીઓને કૌશલ્યલક્ષી કાર્યોની તાલીમ આપવામાં આવી હતી જેમાં પંચર બનાવવું, ઇસ્ત્રી કરવી, ફ્યુઝ બાંધવો જેવી પ્રવૃત્તિઓ કરવાની સાથે આપત્તિ વ્યવસ્થાપન સમયે લેવાની કાળજી તથા વ્યસન મુક્તિ જેવા વિષયો પર સમજણ આપવામાં આવી હતી.
શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમારે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની દિશામાં શાળામાં ચાલતી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને પખવાડિયા દરમિયાનની વિવિધ પ્રવૃત્તિમાં જોડાયેલ સૌ વિદ્યાર્થીઓને અને પ્રવૃત્તિઓનું આયોજન કરનાર શિક્ષિકા બહેનોને અભિનંદન આપ્યા હતા.