લસકાણા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષકોની નવી ભરતીનો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કામરેજ તાલુકાની લસકાણા પ્રાથમિક શાળામાં સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં ધોરણ 1 થી 8 માં નવા ભરતી થનાર શિક્ષકો માટેનો સ્થળ પસંદગી કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિનાં અધ્યક્ષ રોહિતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપકભાઇ દરજી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સુરતનાં પ્રાચાર્ય જગદીશભાઈ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી, અરવિંદભાઈ ચૌધરી, ઇમરાનખાન પઠાણ, બિપીનભાઈ વસાવા, તાલુકા સંઘનાં પ્રમુખ અશ્વિન પટેલ, દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મંત્રીઓ, અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતાં.
સ્થળ પસંદગી માટે આવનાર શિક્ષકોએ બોર્ડ ઉપર પોતાની ઈચ્છા પ્રમાણે જગ્યાઓ પસંદ કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપકભાઇ દરજીએ જરૂરી સૂચનો આપ્યા હતાં. આ ભરતી કેમ્પમાં સુરત જિલ્લામાંથી કુલ 1 થી 5 માં 28 માંથી 26 હુકમ 2 ગેર હાજર,ભાષા મા 12 માંથી 11 હુકમ 1 ગેરહાજર, ગણિત-વિજ્ઞાન માં 16 માંથી 14 હુકમ 2 ગેરહાજર, સામાજિક વિજ્ઞાનમાં 27 માંથી 24 હુકમ 3 ગેરહાજર આમ 83 માંથી 75 હુકમ સ્થળ ઉપર આપવામાં આવ્યા હતાં જ્યારે 8 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતાં. આમ ભરતી પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
શાળાનાં આચાર્ય જીતુભાઇ આહીર, કાનજીભાઈ દ્વારા સુંદર સુવિધા પૂરી પાડવામાં આવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.