તાપી જિલ્લામાં વરસાદના કારણે થયેલા નુકશાનનું ત્વરીત ચુકવણું
“તાપી જિલ્લામાં અત્યાર સુધી નાગરિકોને કુલ-૧૪,૬૨,૮૧૯ રૂપિયાની સહાય ૨૪ કલાકની અંદર ચુકવવામાં આવી:” -જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
…………………..
-આલેખન-વૈશાલી પરમાર
માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૧૪: સમગ્ર રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ ગ્રામ્ય કક્ષાએ વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં નાગરિકોને જાનમાલ સહિત પશુ મૃત્યુ જેવી આફતનો સામનો કરી રહ્યા છે. આ સમયે તાપી જિલ્લા પંચાયત અને વહિવટી તંત્ર સક્રિય રીતે કામગીરી કરી નાગરિકોને વરસાદના કારણે થયેલા નુકશાનનું વળતળ ૨૪ કલાકની અંદર-અંદર ત્વરિત મદદ પહોચાડી રહ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નુકશાન થયુ છે. જેનું સર્વે મહ્દઅંશે પુર્ણ કરવામાં આવ્યું છે. જેમાં ૦૨ માનવ મૃત્યુ, ચાર પશુ મૃત્યુ, ઘર વખરી માટે ૧૧૬ કુટુંબો, ૨૭ ઝુપડા, ૧૯ સંપુર્ણ નુકશાન પામેલા કાચા મકાનો, ૦૨ સંપુર્ણ નુકશાન પામેલા પાકા મકાનો, ૬૦ અંશત: નુકશાન પામેલા કાચા મકાનો, ૧૧ અંશત: નુકશાન પામેલા પાકા મકાનો, આ તમામ કેસોમાં સર્વે કરી તેના વળતળની રકમ ચુકવવામાં આવી છે. સ્થળાતર થયેલા ૩૩૯ કુટુંબોને કેસ પેમેન્ટ પણ ચુકવવામાં આવ્યા છે. આમ કુલ-૧૪,૬૨,૮૧૯ રૂપિયાની સહાય નુકશાનના વળતળ રૂપે તાત્કાલિક ચુકવવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ પણ અંતરિયાળ વિસ્તારોમાં સર્વેની કામગીરી પ્રગતિમાં છે. જેમ-જેમ સર્વેની કામગીરી પુરી થતી જશે તેમ-તેમ નાગરિકોને સહાયની રકમ ૨૪ કલાકની અંદર-અંદર ચુકવવાનો તાપી જિલ્લા તંત્રનો નિર્ધાર છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં ૩૧ જેટલા નાગરિકોને સર્વે કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેને પ્રાધાન્ય આપી વહેલી તકે સહાય ચુકવવાનું આયોજન છે.
વ્યારા તાલુકામાં કસવાવ ગામ ખાતે નિશાળ ફળીયામાં રહેતા જમુબેન બાલુભાઇ ચૌધરી અને ભગત ફળીયામાં રહેતા સુમિત્રાબેન રણજીતભાઇ ગામીતનું કાચુ મકાન ભારે વરસાદના કારણે પડી ગયું હતું. આ અંગેની જાણ તલાટી કમ-મંત્રીશ્રી સુરેખાબેનને થતા તેમણે તાલુકા કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ત્યાર બાદ સર્વેની કામગીરી હાથ ધરી બન્ને બહેનોને વળતળની રકમ ૨૪ કલાકમાં ચેક મારફત પહોચાડવામાં આવી હતી. આ અન્વયે તલાટી કમ-મંત્રીશ્રી સુરેખાબેને જણાવ્યું હતું કે,
જમુબેન બાલુભાઇ ચૌધરીને રૂપિયા ૪૯૫૦ અને સુમિત્રાબેન રણજીતભાઇ ગામીતનું સંપુર્ણ ઘર તુટી પડતા તેઓને રૂપિયા ૮૩૫૦ ચેકથી ચુકવવામાં આવ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કોઇ પણ નુકશાનની જાણ થતા તાલુકાની ટીમ તાત્કલિક એક્શન લઇ ઝડપથી સહાય ચુકવી રહી છે.
તાપી જિલ્લામાં તમામ લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય તેમજ કેશડોલ પહોચાડવામાં વિલંબ ના થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તાપી જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમ દ્વારા જિલ્લાની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે તથા અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦