ઓલપાડ તાલુકાની ગોથાણ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમનું સફળ આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાર્યક્રમ અંતર્ગત શાળાનાં નવનિર્મિત મકાનમાં ધોરણ ૧ અને ૨ નાં સેલ્ફ લર્નિંગ મોડેલ ક્લાસરૂમનું ઉદઘાટન શ્રીમતી ડી. એમ. પઠાણ ( નાયબ સચિવ, શિક્ષણ વિભાગ, ગાંધીનગર ) નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે ધોરણ ૧ થી ૮ નાં તેજસ્વી બાળકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત શાળાનાં વિકાસ માટે અવારનવાર આર્થિક સહયોગ આપનાર દાતાઓને શાળા તરફથી સન્માનપત્ર અર્પણ કરી નવાજવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રીમતી ડી. એમ. પઠાણે ધોરણ ૧ માં નવા પ્રવેશ પામેલ બાળકો સહિત અન્ય બાળકોને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડી તેઓ અભ્યાસમાં ઉત્તરોતર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી આવી હતી. તેમણે પોતાનાં યજમાન શાળાની પ્રશંસા કરી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં.
કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા સાયણ કેન્દ્રનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશ પટેલ, એસ.એમ.સી. સભ્યો, વાલીજનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. અંતમાં આભારવિધિ શાળાનાં ઉપશિક્ષક સંજયભાઈએ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.