બારડોલી તાલુકાની બાલ્દા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ રંગેચંગે ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : બારડોલી તાલુકાનાં બાલ્દા મુકામે આવેલ ધો ૧ થી ૮ની પ્રાથમિક શાળાનાં સ્થાપનાનાં ૧૪૪ વર્ષ પૂર્ણ થતાં ૧૪૫ માં વર્ષમાં પ્રવેશ કરતાં બારડોલી તાલુકા પંચાયતનાં સભ્ય તથા દંડક બિપીનભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તથા બાલ્દા પ્રાથમિક શાળાનાં S.M.C. નાં સભ્ય અને માજી કેન્દ્ર શિક્ષક વિશ્વજીતભાઇ ચૌધરીની હાજરીમાં શાળા સ્થાપના જયંતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્યથી થઈ. ત્યારબાદ શાળાનાં આચાર્ય કુમેદભાઈ ચૌધરી દ્વારા શાબ્દિક સ્વાગત સાથે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાનાં માજી કેન્દ્ર શિક્ષક વિશ્વજીતભાઈ ચૌધરી હાલ ભણી રહેલાં વિદ્યાર્થીઓને ખૂબ ભણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી તથા શાળાની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ તાલુકા પંચાયતનાં સભ્ય તથા દંડક બિપીનભાઇ ચૌધરીએ પણ શાળા વિશેની અને વાલીઓને લોકજાગૃતિ માટેની હાકલ કરી હતી. ત્યારબાદ શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
શાળાનાં શિક્ષકમિત્રોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણીને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. શાળાનાં S.M.C સભ્યોએ પણ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. અંતમાં શાળાનાં આચાર્ય કુમેદભાઈ ચૌધરીએ આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બાળકો માટે તિથિભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.