તાપી જિલ્લાના બોરખડીથી રાજ્ય સરકારની પોષણ યોજનાઓનો પ્રારંભ
વંદે ગુજરાત અંતર્ગત વિકાસ રથ યાત્રા દ્વારા લોકાભિમુખ હેતુનું આયોજન : – જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા
(માહિતી બ્યુરો વ્યારા) તા.૦૬- કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના વરદ્ હસ્તે પ્રકૃતિ સાથે સંપૂર્ણ સ્વસ્થ રહેવાની ભાવના સાથે સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ માટે રાજ્ય સરકારની પોષણ યોજનાઓ, મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અને પોષણ સુધા યોજનાઓનો પ્રારંભ કરાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન આપતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ થયો છે. ૧૯ જુલાઈ સુધી આ વિકાસ યાત્રા ચાલશે. જેમાં સરકારશ્રીની યોજનાઓમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલ પ્રજાલક્ષી કામોની જાણકારી અપાશે. સરકારના ૧૮ જેટલા વિભાગો દ્વારા વ્યક્તિગત યોજનાઓના લાભો આધારકાર્ડ,મા કાર્ડ,ખેતીવાડી, બાગાયત, સિંચાઈ,રસ્તા,પોષણ યોજનાઓ,નલ સે જલ, આવાસ યોજના જેવી લોકાભિમુખ હેતુ સાથે સરકારે આયોજન કર્યું છે. કુપોષણ નિવારવા માટે રાજ્ય સરકારે સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે પોષણ યોજનાઓ શરૂ કરી છે. જેનો પ્રારંભ આજરોજ બોરખડી ખાતેથી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના હેઠળ બે વર્ષ સુધી લાભાર્થી બહેનોની કાળજી લેવામાં આવે છે.શરીરની તંદુરસ્તી માટે પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ મળી રહે તે માટે સગર્ભા અને ધાત્રી માતાઓને ૨ કિ.ગ્રા ચણાની દાળ,૧ કિ.ગ્રા.તુવેરદાળ અને ૧ કિ.ગ્રા.તેલ આપવામાં આવે છે. જ્યારે પોષણ સુધા યોજનામાં સગર્ભા બહેનોને અઠવાડિયામાં ૬ દિવસ આંગણવાડીમાં ભોજન આપવમાં આવશે. આ બંને યોજનાનું સંપૂર્ણ અમલીકરણ સાથે પાલન થાય તે માટે આંગણવાડી કાર્યકર બહેનો અને સરપંચને અનુરોધ કર્યો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલે સૌનું સ્વાગત અકરતા જણાવ્યું હતું કે સરકારે સ્વાસ્થ્યની ચિંતા કરી છે. મહિલાઓ માટેની પોષણ યોજનાનો પ્રારંભ ૧૮ જૂને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા ખાતેથી કર્યો હતો. આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૪ જિલ્લામાં આ યોજના શરૂ કરાઈ છે. જેમાં ૮ હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને તેનો લાભ મળશે. બહેનોને વધુ કેલરી વાળો આહાર મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાપડીયાએ લાભાર્થી બહેનોને ભાવસભર ભોજન પીરસીને જમાડ્યા હતા. અધ્યાપન મંદિરની બહેનોએ સ્વાગત, પ્રાર્થના રજુ કર્યા હતા. નાયબ પશુપાલન નિયામક ડો.બ્રીજેશ શાહ,કસ્તુરબા અધ્યાપન મંદિર આચાર્યા સંગીતાબેન દેસાઈ,ડો.પ્રતિક વ્યાસ,સીડીપીઓ ગીતાબેન,રાધાબેન, આંગણવાડી કાર્યકરો સહિત બોરખડી ક્લસ્ટરના લોટરવા, ભાનાવાડી,બોરખડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ સીડીપીઓ ગીતાબહેને કરી હતી.
૦૦૦૦૦૦૦૦