પદમડુંગરી ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટની મુલાકાતે પ્રભારી મંત્રી યોગેશભાઈ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી શ્રી યોગેશભાઇ પટેલે, તાપી જિલ્લાના પર્યટન સ્થળ એવા પદમડુંગરીની પણ મુલાકાત લીધી હતી.
પદમડુંગરી ખાતે ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટની મુલાકાત લેતા પ્રભારી મંત્રી શ્રી યોગેશભાઇ પટેલે અહીં, નવનિર્મિત પ્રકલ્પોની જાણકારી મેળવી હતી. આ વેળા તેમને કેટલાક રચનાત્મક સૂચનો કરી, આ સ્થળ વધુ લોકભોગ્ય બને તેવા સહિયારા પ્રયાસોની હિમાયત પણ કરી હતી.
મંત્રીશ્રીએ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ ખાતે પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓથી સંતોષ વ્યક્ત કરી, પ્રવાસનના માધ્યમથી ઉપલબ્ધ થતી રોજગારીની પણ જાણકારી મેળવી હતી.
દરમિયાન વ્યારા વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી આનંદ કુમારે અહીં નિર્માણાધીન આરોગ્ય વન (આયુર્વેદિક વનસ્પતિલL ઉદ્યાન), કેક્ટર્સ હાઉસ, ઓર્ચિડ હાઉસ, એડવેન્ચર એક્ટિવિટી વિગેરેની જાણકારી આપી હતી.
મંત્રીશ્રીની પદમડુંગરીની મુલાકાત વેળા તેમની સાથે કલેકટર શ્રી આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંધ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની, વન અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા નિભાવી હતી.