તાપી જિલ્લા “વંદે ગુજરાત વિકાસ યાત્રા” બીજો દિવસ

Contact News Publisher

વ્યારા તાલુકાના પી.ટી.સી. કોલેજ બોરખડી ખાતે રથયાત્રામાં નાગરીકો ઉત્સાહભેર જોડાયા
……………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૦૬: રાજ્યભરમાં આજથી શરૂ થઈ રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આજરોજ તા.૦૬-૦૭-૨૦૨૨ યાત્રાના બીજા દિને રથ-૧ વ્યારા તાલુકાના પી.ટી.સી. કોલેજ બોરખડી ખાતે પહોચ્યો હતો.
આ પ્રસંગે વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ જસુબેન ગામીતે ઉપસ્થિત સૌ નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે જેની સફળતા નાગરિકો ઉપર આધાર રાખે છે. તેમણે સૌ ગ્રામજનોને સરકારશ્રીની યોજનાઓ જેમાં પી.એમ.જય કાર્ડ દ્વારા આરોગ્યલક્ષી લાભ મેળવવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે પોતે મીશન મંગલમમાં સખી મંડળમા જોડાયા છે અને વિવિધ તાલીમોનો લાભ લીધો છે એમ જણાવી તાપી જિલ્લામાં વહિવતી તંત્ર ખુબ સારી કામગીરી કરે છે એમ કહી કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય કક્ષાએ કામગીરીની સરાહના કરી હતી.
કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એસ.રાઠવાએ પ્રાસંગિક પ્રવચન આપતા સરકારશ્રીના વંદે ગુજરાત વિકાસ યાત્રાના હેતુ અંગે જાણકારી આપી હતી. વધુમાં તેમણે આ યાત્રા દ્વારા નારગિકોને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
વ્યારા મામલતદારશ્રી દિપક સોનાવલાએ મહેસુલ વિભાગની કામગીરી અંગે જાણકારી આપી આગામી સમયમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે અને રેશનકાર્ડ, આધારકાર્ડ જેવા જરૂરી કાગળો હવે ઓનલાઇન માધ્યમથી પણ ઘરે બેઠા અરજી કરી શકાય છે તેના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે ડાયરેક્ટરશ્રી આત્મા પ્રોજેક્ટ અલ્કેશ ચૌધરીએ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અંગે જાણકરી આપતા આઇ-ખેડૂત પોર્ટલ અંગે જાણકારી આપી હતી. વધુમાં તેમણે ગાય આધારિત ખેતી, જીવામૃત, બીજામૃત વગેરે દ્વારા પ્રાકૃતિક ખેતીને અપનાવવા ખાસ અપીલ કરી હતી.
બાગાયત અધિકારીશ્રી ધર્મિષ્ઠા પટેલે બાગાયત યોજનાઓની જાણકારી આપી તેમા મેળતી સહાય, લાભો અંગે સૌને અવગત કર્યા હતા.
નાયબ પશુપાલન અધિકારીશ્રી શાહે નફાકારક પશુપાલન અંગે જાણકારી આપી, નવી યોજનાઓ જેમાં ગાભણ પશુઓ માટે દાણખાણ યોજના, વિયાણ બાદ દાણ આપવાની યોજના, બકરા પાલન, મરધા પાલન, સસલા પાલન, ૧૨ દુધાળા પશુઓના ફાર્મની યોજના વિગેરે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
મદદનિશ આદિજાતી કમીશ્નરશ્રી એચ.એલ.ગામીતે આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી ગામના બાળકો ઉચ્ચ શિક્ષણથી વંચિત ના રહે તે માટે ફ્રીશિપ કાર્ડ યોજનાનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે કુંબરબાઇનું મામેરૂ યોજના, તથા સિકલસેલના દર્દીઓને દર મહિતને આપવામાં આવતી સહાય અંગે જાણકારી આપી હતી.
ડૉ.પ્રણય પટેલે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. જયારે પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલે પોષણ અભિયાનના મહત્વને સમજાવી સૌ બહેનોને પોતાના સ્વાસ્થય પ્રત્યે સભાનતા કેળવવાની અપીલ કરી હતી.
કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓ જેમાં ઉજ્વલા યોજના, મીશન મંગલમ યોજના, ખેતીવાડી યોજના, ડીજીવીસેએલ, કુંબરબાઇનું મામેરૂ વગેરે યોજનાઓના સહાય/લાભના પ્રમાણ પત્રો ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વંદે ગુજરાત રથ યાત્રાનું ગામજનોએ ભવ્ય સ્વાગત કરી પ્રા.શાળાના બાળકોએ સ્વાગત ગીત સાથે વાજતે ગાજતે રથ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોએ કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આભારદર્શન ગામના તલાટીશ્રીએ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.
આ પ્રસંગે આરએફઓ હર્ષિદાબેન, મેડિકલ ઓફિસર નિકુંજભાઇ, બોરખડી સરપંચ સુનિતા ચૌધરી, પીટીસી કોલેજના આચાર્યશ્રી સંગિતાબેન દેસાઇ, ઉત્તરબુનિયાદી શાળાના આચાર્યા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *