વ્યારા ખાતે જિ.પં.પ્રમુખશ્રી સુરજ વસાવાના અધ્યક્ષ સ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
અંદાજિત રૂપિયા ૮૫૪.૭૫ લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું
………………….
જે સમાજમાં મહિલાઓ સક્રિય હોય તે સમાજનું ઉત્થ્થાન ચોક્કસ છે.-જિ.પં.પ્રમુખશ્રી સુરજ વસાવા
………………….
સખી મંડળના પ્રમુખ તરીકે કામગીરી થી લઇ પદ્મશ્રી સુધીની સફર સર કરવા સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મીશન મંગલમ યોજનાનો ખુબ મોટો ફાળો છે:- પદ્મશ્રી રમીલાબેન ગામીત
………………….
( માહિતી બ્યુરો, વ્યારા- તાપી ) તા. ૩૦: “આઝાદી કા અમૃત મહોત્સવ” અનુસંધાને દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તાપી જિલ્લાના સ્વ સહાય જુથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરાયું હતું. આજરોજ તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને અને ન.પા.પ્રમુખ સેજલ રાણા, ડી.આર.ડી.એ નિયામકશ્રી અશોક ચૌધરી સહિત પદ્મશ્રી રમીલાબેન ગામીતની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાએ બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અતુલ્ય છે. જે સમાજમાં મહિલાઓ સક્રિય હોય તે સમાજનું ઉત્થ્થાન ચોક્કસ છે. તેમણે આજે કેશ ક્રેડિટ કેમ્પમાં લોન મેળવેલ બહેનોને નાણાનો યોગ્ય ઉપયોગ કરવા અને જિલ્લાની તમામ સખી મંડળોને સક્રિય બનવા ખાસ અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે આયુષમાન ભારત, સુકન્યા સમૃધ્ધિ, જનની સુરક્ષા જેવી વિવિધ મહિલાઓને સંલગ્ન યોજનાઓની જાણકારી આપી તમામનો લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ન.પા.પ્રમુખ સેજલ રાણાએ જણાવ્યું હતું કે, મહિલાઓ સશક્ત બને તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. આ તમામ યોજનાઓનો લાભ લઇ પગભર બની પરિવારને અને સમાજને મદદરૂપ બનવા સૌ બહેનોને પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં પદ્મશ્રી રમીલાબેન ગામીતે સખીમંડળ સાથેના પોતાના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સખીમંડળ દ્વારા બહેનોને ખેતી પશુપાલનની સાથે વધારાની આવક મેળવવાની ખુબ સારી તક મળે છે. તેમણે પોતાનુ ઉદાહરણ આપતા કહ્યુ હતું કે, મે ૧૬૨ જેટલા સખી મંડળો બનાવ્યા છે. જે વિવિધ પ્રવૃતિ દ્વારા સારી એવી આવક મેળવી રહ્યા છે. પોતે એક સખી મંડળના પ્રમુખ તરીકે કામગીરી થી લઇ પદ્મશ્રી સુધીની સફરસર કરવા માટે તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મીશન મંગલમ યોજનાનો ખુબ મોટો ફાળો છે એમ ઉમેર્યું હતું. અંતે તેમણે તાપી જિલ્લામાં યોજાયેલ સખી મેળા-૨૦૨૨માં ટાપરવાડા સખી મંડળના સ્ટોલ દ્વારા બહેનોએ માત્ર ૭ દિવસમાં ૩૮ હજારની આવક મેળવી છે એમ જણાવી સૌ સખી મંડળોને સક્રિય બનવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા ડી.આર.ડી.એ નિયામકશ્રી અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કુલ-૯૨૬૯ સખી મંડળો નોંધાયેલ છે. જેમાંથી ૬૩૮૫ જુથો હાલ એક્ટીવ છે. ૪૨૦૦ જુથોને ધિરાણ આપી આગવી ઓળખ ઉભી કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત વિવિધ બેન્કોએ સરાહનિય પ્રયાસો હાથ ધર્યા છે. તેમણે વધુમાં આજના કેશ ક્રેડિટ કેમ્પ હેઠળ કુલ-૮૨૦ સખી મંડળોને રૂપિયા ૮૫૪.૭૫ લાખના ચેકો એનાયત થયા છે જેના માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ડોલવણના નિલકંઠ સખી મંડળના મત્રીશ્રી નયનાબેન ગામીતે સખી મેળા-૨૦૨૨માં પોતાની સાબુના વેચાણને સ્ટોલ અંગેના અનુભવો વર્ણવ્યા હતા.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બેંક સખી અને બીસી સખી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ મહિલાઓને સન્માન પત્રો અને સખી મંડળની બહેનોને ધિરાણના ચેકો એનાય કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
આ પ્રસંગે બાંધકામ સમિતીના અધ્યક્ષ નિતિન ગામીત, ચીફ મેનેજર બરોડા બેન્ક વિનય પટેલ, લીડબેંક મેનેજર પ્રવિણભાઇ, મહિલા મોરચાના અધ્યક્ષ નિલા પંડ્યા સહિત વિવિધ તાલુકામાંથી આવેલ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦