ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ધામધૂમપૂર્વક સંપન્ન  

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત): સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવીને ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે મોટી સિધ્ધિ હાંસલ કરવા રાજય સરકારશ્રીએ અમલી બનાવેલ “કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ” કાર્યક્રમને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં અભૂતપૂર્વ સફળતા સાંપડી છે.
તારીખ ૨૩ થી ૨૫ જૂન દરમ્યાન યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓને ૧૨ રૂટમાં વહેંચી દેવામાં આવી હતી. જે પૈકી રોજ ૩૭ શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં ખાવી હતી.. સરકારશ્રી દ્વારા નિયુક્ત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તેમની સમગ્ર ટીમે નિયત શાળાઓમાં હાજરી આપી બાળકોને પ્રવેશોત્સવ કરાવ્યો હતો. જે પૈકી રૂટ નંબર-૧ પર ડી.એમ.પઠાણ (ડેપ્યુટી સેક્રેટરી,શિક્ષણવિભાગ,ગાંધીનગર), રૂટ નંબર-૨ ઉપર મુકેશભાઈ પટેલ (માન. મંત્રીશ્રી કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ (રાજ્યકક્ષા), રૂટ નંબર-૩ ઉપર એસ.ઝેડ. પટેલ (કાર્યપાલક ઇજનેર, કાકરાપાર જમણાકાંઠા નહેર વિભાગ, સુરત), રૂટ નંબર-૪ ઉપર લક્ષ્મણભાઈ ચૌધરી (મામલતદાર,ઓલપાડ), રૂટ નંબર-૫ ઉપર વનરાજસિંહ બારડ (તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા, ઓલપાડ), રૂટ નંબર-૬ ઉપર જયેશભાઈ પટેલ (તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ,ઓલપાડ), રૂટ નંબર-૭ ઉપર જશુબેન વસાવા (ઉપપ્રમુખ,તા.પં.ઓલપાડ) રૂટ નંબર-૮ ઉપર અશોકભાઈ રાઠોડ (હળપતિ અને ભૂમિહીન ખેત મજૂરોની આવાસ બાંધકામ સમિતિ, જી.પં.સમિતિ, સુરત), રૂટ નંબર-૯ ઉપર સી.કે. ઉંધાડ પ્રાંત અધિકારી,ઓલપાડ), રૂટ નંબર–૧૦ ઉપર જયશ્રીબેન પટેલ (સી.ડી.પી.ઓ., ઓલપાડ), રૂટ નંબર–૧૧ અમિતભાઈ પટેલ (તાલુકા પંચાયત પ્રમુખ,ઓલપાડ) રૂટ નંબર–૧૨ ઉપર ડો. કૃણાલભાઈ જરીવાલા (તાલુકા આરોગ્ય અધિકારી, ઓલપાડ) ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. તેમનાં લાયઝનીંગમાં સી.આર.સી.કો-ઓર્ડિનેટરો જોડાયા હતાં.
આ ત્રિદિવસીય કાર્યક્રમમાં અધિકારી તથા પદાધિકારીઓના હસ્તે દરેક શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ યોગનિદર્શન, શૌર્યગીત, શ્રેષ્ઠ વિધાર્થીઓનું સન્માન, પાઠ્યપુસ્તક વિતરણ, દાતાઓનું સન્માન, બાળકો ધ્વારા અમૃત વચન તથા પ્રવેશ અને નામાંકનની સમીક્ષા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા ગામેગામની પ્રાથમિક શાળાઓમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. વાલીઓ તેમજ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરણ-૧ તથા આંગણવાડીમાં પ્રવેશપત્ર બાળકોને કુમકુમ નિલક કરીને શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો. બાળકોને મીઠાઈ, ચોક્લેટ વડે મોં મીઠુ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ, ભૌતિક સુવિધાનાં સાધનો અર્પણ કરવામાં આવ્યાં હતા. દરેક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં – ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૧ થી ૩ નંબરે ઉત્તિર્ણ થયેલ બાળકોને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનાં ભાગરૂપ ડેપ્યુટી સેક્રેટરી, શિક્ષણવિભાગ, ગાંધીનગરનાં ડી.એમ.પઠાણે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં સમગ્ર ગુજરાતમાં કન્યાઓને શિક્ષણનું પ્રમાણ ઉંચું લાવવાની સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓની છણાવટ કરી હતી. તેમણે તમામ વાલીઓને પોતાનું બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવી તકેદારી રાખવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
રાજ્યનાં કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ (રાજ્યકક્ષા) મંત્રી મુકેશભાઈ પટેલે મુળદ અને કીમ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે પોતાનાં ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષનાં રાજય સરકારનાં શ્રેષ્ઠ પ્રયાસો થકી કન્યા કેળવણીને ઉત્તેજન મળ્યું છે. રાજયમાં ડ્રોપ આઉટનો દર ઘટવા પામ્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓ લોકભાગીદારી પૈકી તમામ ક્ષેત્રે ગતિવંત બની છે ત્યારે આપણું બાળક એમાં પાછળ ન રહી જાય એ આપણા સૌની જવાબદારી છે.
કાર્યક્રમનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાનાં પ્રાંત અધિકારી સી.કે. ઉંધાડે પારડીઝાંખરી, મીંઢી, નઘોઈ, કમરોલી, મોરમુખ્ય, ભગવા, સોંદલાખારા, કુંભારી, ઈશનપોર, સરોલી ગામની પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહયા હતાં. તેમણે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં સમગ્ર ગુજરાતમાં કન્યાઓને શિક્ષણનું પ્રમાણ ઉચું લાવવાની સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓની છણાવટ કરી હતી. આ ઉપરાંત તેમણે કન્યા કેળવણી, સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્યો હતો.
તાલુકાનાં બી.આર.સી. કો.ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે મૂળદ, કીમ, સીથાણ, સેલુત ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે ભાવિ પેઢીને શિક્ષિત અને સંસ્કારી બનાવવા માટે સતત ચિંતિત અને ગતિશીલ રાજ્ય સરકારે પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવાં કાર્યક્રમોનાં સથવારે શિક્ષણનું સ્તર સુધારવા માટેનાં અનેકવિધ નવતર પ્રયાસો કર્યા છે જેને સાર્થક કરવા ઓલપાડ તાલુકો સતત પ્રયત્નશીલ રહ્યો છે.
આ ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમ્યાન તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓમાં ૬૭૦ કુમાર અને ૬૫૮ કન્યાનો મળી કુલ ૧૩૨૮ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે પૈકી ૬ વિકલાંગ બાળકોનો સમાવેશ થાય છે. જયારે ૩ કુમાર અને ૨ કન્યાઓ મળી કુલ ૫ બાળકોને પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત આંગણવાડીમાં ૨૧૫ કુમાર અને ૧૯૪ કન્યાઓ મળી કુલ ૪૦૯ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
સી.આર.સી કક્ષાનાં તેમજ શાળા કક્ષાનાં કાર્યક્રમ સંદર્ભનાં યોગ્ય પ્રચાર-પ્રસાર થકી પ્રવેશોત્સવને પ્રચંડ લોકપ્રતિસાદ મળ્યો હતો. કુલ રૂા.૧૯,૩૦,૨૨૨ જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી. જયારે કુલ રૂ. ૧,૫૬,૫૦૧ જેટલી રકમ રોકડ સ્વરૂપે શાળાઓને પ્રાપ્ત થઈ હતી.
તાલુકામાં આ મહોત્સવની વિશિષ્ટતા એ હતી કે દરેક શાળાઓમાં કાર્યક્રમનાં ઉદઘોષક તરીકે બાળકોએ જ સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.સી.કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ, તમામ સી.આર.સી.કો-ઓર્ડિનેટરો, દરેક ગામનાં સરપંચો, એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other