પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319માં પ્રવેશોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : પ્રવેશોત્સવમાં પ્રથમ ચરણમાં પ્રથમ દિવસે જ શાળા 319માં પ્રવેશોત્સવનું આયોજન થયું હતું. પ્રવેશોત્સવના પ્રમુખસ્થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સ્વાતિબેન સોસા ઉપસ્થિત હતા. નવાગંતુક વિદ્યાર્થીઓનું ઢોલ-ત્રાંસા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું. ધોરણ 1માં પ્રવેશપાત્ર તમામ બાળકોને કંકુ પગલાં પાડીને વધાવવામાં આવ્યા. ખૂબ જ સુંદર વાતાવરણમાં આખો કાર્યક્રમ યોજાયો. સમગ્ર પરિસર રંગબેરંગી બલૂનની સજાવટ, ઊંધી લટકાવેલી સુશોભિત છત્રીનાં સેલ્ફીઝોન અને બાળકોને ગમી જાય એવા ભીંતચિત્રોથી શોભી રહ્યો હતો.
સ્થાનિક કોર્પોરેટર નીલેશભાઈ, નવનિયુક્ત સી. આર. સી તથા દાતાઓ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમ નિહાળી આનંદ વ્યકત કર્યો. સુંદર મજાની પ્રાર્થનાથી બાળકોએ કાર્યક્રમની શરૂઆત કરી. મહેમાનોનાં સ્વાગત બાદ શાળાના વિદ્યાર્થીઓએ સરસ મજાનું અભિનય ગીત પણ રજૂ કર્યું.
શાળાનાં તેજસ્વી બાળકોનું તથા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું.
પ્રવેશોત્સવમાં બાળકોને આવકારતા પ્રમુખ સ્વાતિબેન સોસાએ શાળાની સિદ્ધિઓ વર્ણવી આ વિસ્તારમાં આપણી આ શાળા આગવું સ્થાન ધરાવે રહી છે અને ખૂબ સરસ રીતે શાળાનો વિકાસ થઈ રહ્યો છે એમ જણાવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બધી શાળાઓમાં સરસ મજાની ભૌતિક સુવિધા મળે છે અને ખાનગી શાળાઓ કરતાં પણ વધારે સારી રીતે શિક્ષણ અપાય છે જેથી કરીને વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપણી શાળામાં વધી રહી છે એવી જાણકારી તેમણે વાલીઓને આપી.
ખૂબ જ ઉમળકાભેર ઉપજાવેલ આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાનાં જ એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી દ્વારા સંયુક્ત રીતે કરાયું. આઝાદી કા અમૃત મહોત્સવ વિષય પર શાળાના વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા. શાળાનાં આચાર્ય શ્રી પ્રકાશભાઈ પરમાર NCERT નાં નેશનલ સેમિનારમાં અજમેર હોય વિડીયો કોલ દ્વારા એમણે શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમને અંતે આભારવિધી શાળાના શિક્ષિકા હેતલબેન દ્વારા કરવામાં આવી.