પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરંજખેડના બોન્ડેડ તબીબ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા તાપી જિલ્લા વિકાસ અધિકારી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૪- જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, જીલ્લા પંચાયત, તાપી દ્વારા ૧૫મી જુન ૨૦૨૨ ના રોજ ૧૭.૪૫ કલાકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરંજખેડ, તા.ડોલવણની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ સમય દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ માલુમ પડેલ હતુ તથા ડોકટર તેમજ કોઈપણ કર્મચારી હાજર ન હતા. જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આ જ રૂટના અન્ય ગામોની મુલાકાત લઈ પરત આવ્યા બાદ બોન્ડેડ તબીબને આ અંગે જાણ થતાં આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓ હાજર થયા હતા. જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા બોન્ડેડ તબીબની રૂબરૂ પૃચ્છા કરતાં આરોગ્ય વિભાગની મહત્વની યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા આરોગ્યલક્ષી કામગીરી નબળી જણાયેલ હતી. જે બાબતે જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કડક વલણ અપનાવતા બોન્ડેડ તબીબ વર્ગ-ર વિરૂદ્ધ બેજવાબદાર, બિન સંવેદનશીલ અને ગેરશિસ્તને ગંભીરતાથી લઈ શિક્ષાત્મક કાર્યવાહી અર્થે વડી કચેરીએ હવાલે મુકી છે આમ ફરજ પ્રત્યે બિનજવાબદાર અને બીન સંવેદનશીલ અધિકારી/કર્મચારીઓ માટે ચેતવણીરૂપ દાખલો પુરો પાડયો હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પાઉલ વસાવા દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦