આગામી તા.૨૬મી જુનના રોજ તાપી જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાશે
(માહિતી બ્યુરો, વ્યારા- તાપી) તા: ૨૪: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર ગુજરાત રાજ્યમાં તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગ રૂપે તાપી જિલ્લામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તાપી વ્યારા તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, વ્યારા,વાલોડ, ડોલવણ,સોનગઢ,ઉચ્છલ, નિઝર દ્વારા તા.૨૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી તાપી જીલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામા આવ્યુ છે. આ લોક અદાલતમાં દિવાની દાવા, ભારતીય ફોજદારી ધારાના કેસો, અકસ્માત વળતરના કેસો, વિજળી બીલના કેસો, પ્રોહીબીશન કેસો, જુગારના કેસો, ચેક બાઉન્સના કેસો તથા બેકોં અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. કેસોમાં પ્રિ-લીટીગેશનની નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવેલ છે. તાપી જીલ્લાની તમામ અદાલતોમાં પેન્ડીંગ કેસોમાં સમાધાનથી નેશનલ લોક અદાલતમાં નિકાલ થાય અને પક્ષકારના કેસોનો સુખદ નિરાકરણ આવે છે. એક વખત સમાધાન થયા પછી તેવા કેસોમાં અપીલ કે રીવીઝન કરવાનો કોઇ કારણ ઉપસ્થિત થતુ નથી. લોક અદાલતમાં થયેલ સમાધાનનો નિર્ણય આખરી નિર્ણય છે.
નેશનલ લોક અદાલતમાં સમાધાન થી નિકાલ થયેલ કેસોમાં ભરેલી સ્ટેમ્પ ફી પણ રીફંડ આપવામા આવે છે. નેશનલ લોક અદાલતમાં સમાધાન માટે કોઇ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી. તાપી જિલ્લામાં પેન્ડીંગ કેસોમાં કુલ ૧૨૦૦ થી વધુ કેસો નિકાલ થવા પાત્ર છે તથા પ્રિ-લિટીગેશનમાં કુલ ૫૦૦૦ થી વધુ કેસો મુકવામાં આવેલ છે.એમ મુખ્ય જિલ્લા ન્યાયાલય, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તાપીની અખબારી યાદીમાં જણવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦