ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમનો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવીને ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે મોટી સિધ્ધિ હાંસલ કરવા રાજય સરકારશ્રીએ અમલી બનાવેલ કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં દબદબાભેર પ્રારંભ થયો.
તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓ પૈકી પ્રથમ દિવસે કુલ-૧૨ રૂટની ૩૮ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સરકારશ્રી ધ્વારા નિયુકત અધિકારીઓ, પદાધિકારીઓ અને તેમની સમ્રગ ટીમે નિયત શાળાઓમાં હાજરી આપી પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા ગામેગામની પ્રાથમિક શાળાઓમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. વાલીઓ તેમજ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરણ-૧ તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો. બાળકોને મીઠાઈ, ચોકલેટ વડે મોં મીઠુ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ, ભૌતિક સુવિધાનાં સાધનો અર્પણ કરવામાં આવ્યાં હતાં. દરેક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૧ થી ૩ નંબરે ઉત્તિર્ણ થયેલ બાળકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતાં. જયારે આંગણવાડીનાં બાળકોને રમકડાંની કીટ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમનાં ભાગરૂપે માનનીય મંત્રી મુકેશભાઈ પટેલ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ (રાજ્યકક્ષા) મુળદ અને કીમ ગામની પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહયા હતાં. તેમણે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં સમગ્ર ગુજરાતમાં કન્યાઓને શિક્ષણનું પ્રમાણ ઉંચું લાવવાની સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓની છણાવટ કરી હતી. આ ઉપરાંત તેમણે કન્યા કેળવણી, સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકયો હતો.
શ્રીમતિ ડી.એમ.પઠાણ ડેપ્યુટી સેક્રેટરી, શિક્ષણવિભાગ, ગાંધીનગર કુંદિયાણા, લવાછા અને દાંડી ગામની પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહયા હતાં. તેમણે પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષનાં રાજય સરકારનાં શ્રેષ્ઠ પ્રયાસો થકી કન્યા કેળવણીને ઉત્તેજન મળ્યું છે.
ઓલપાડનાં પ્રાંત અધિકારી, સી.કે.ઉંધાડ પારડીઝાંખરી, મીંઢી અને નઘોઇ ગામની પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહયા હતાં. તેમણે જણાવ્યું હતું કે પ્રવેશોત્સવ થકી રાજયમાં ડ્રોપ આઉટનો દર ઘટવા પામ્યો છે. તાલુકાની પ્રાથમિક શાળાઓ લોકભાગીદારી થકી તમામ ક્ષેત્રે ગતિવંત બની છે ત્યારે આપણું બાળક એમાં પાછળ ન રહી જાય એ આપણા સૌની જવાબદારી છે.
કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે ૩૮ પ્રાથમિક શાળાઓમાં ૨૨૦ કુમાર અને ૨૨૪ કન્યાઓ મળી કુલ ૪૪૪ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો જયારે આંગણવાડીમાં ૬૯ કુમાર અને ૫૭ કન્યાઓ મળી કુલ ૧૨૬ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ રૂા. ૮,૮૬,૧૨૦ જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી. જયારે કુલ રૂા. ૯૧,૫૦૦ જેટલી રોકડ રકમ પણ શાળાઓને પ્રાપ્ત થઈ હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.