તાપી જિલ્લામા ૧૭માં ‘શાળા પ્રવેશોત્સવ’ અને કન્યા કેળવણી કાર્યક્રમનો શુભારંભ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને ભાનાવાડી, કંસારીયા ભાનાવાડી અને લોટરવા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
…………………….
“કેળવણી એટલે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ”: જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
…………………….
૭૯૮ શાળાઓમાં ૮૫૮૨ બાળકો જેમાં ૪૩૦૫ કુમાર અને કુલ ૪૨૭૭ કન્યાઓના નામાંકન કરાશે
…………………….
જિલ્લાના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા વિવિધ શાળાઓની મુલાકાત લઇ બાળકોને પ્રોત્સાહિત કરાયા
…………………….
(માહિતી બ્યુરો, વ્યારા- તાપી) તા: ૨૩: સમગ્ર ગુજરાત રાજ્ય જેમાં તાપી જિલ્લા સહિત આજથી ત્રણ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ આયોજિત કરાયો છે. જે અન્વયે તાપી જિલ્લાની ૭૯૮ શાળાઓમાં ૮૫૮૨ બાળકો જેમાં ૪૩૦૫ કુમાર અને કુલ ૪૨૭૭ કન્યાઓના નામાંકન પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ ઉપરાંત જિલ્લાના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા વિવિધ શાળાઓની મુલાકાત લઇ બાળકોને ધોરણ-૧ મા પ્રવેશ આપવાની સાથે, શાળાકીય શિક્ષણ, સુવિધાઓની ગુણવત્તાની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને ભાનાવાડી, કંસારીયા ભાનાવાડી અને લોટરવા પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ’ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ-૧ ના વિદ્યાર્થીઓને કુમ્કુમ તિલક કરી, શાળાના પુસ્તકો, બેગ અને ચોકલેટ આપી મીઠુ મોઢું કરી બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગાઉના વર્ષે ધોરણ ૩,૪,૫માં જે વિદ્યાર્થીઓ એકથી ત્રણ ક્રમ આવ્યો હોય તેઓને કંપાસ અને ફુલ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં શાળાના બાળકોએ “બેટી બચાવો બેટી પઢાવો” વિષય ઉપર વક્તવ્ય રજુ કરી સૌને પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે ડી.ડી.ઓશ્રીએ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આપણા દેશના સૌ મહાનુભાવો જેમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી હોય કે પછી પ્રેસિડન્ટ એ.પી.જે અબ્દુલ કલામ હોય સૌ કોઇએ સરકારી શાળામાંથી ભણતર મેળવ્યું છે. સરકારી શાળામાં ભણીગણીને સૌ દેશને નવી દિશા તરફ લઇ ગયા છે. તેમણે સૌ બાળકોને નિયમિત શાળાએ આવવા અને સ્વચ્છ, સ્વસ્થ રહી શિક્ષક જે શિખવે તેને પોતાના મનમા ઉતારવા હાંકલ કરી હતી.
તેમણે ખાસ વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રાઇવેટ શાળાઓમાં પણ ના હોય તેવી ઉચ્ચ કોટીની સુવિધાઓ સરકારી શાળામાં સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે વાલીઓ પણ પોતાની જવાબદારી સમજી બાળકોને ભણતર પ્રત્યે વધારે રસ જાગે તેવા હકારાત્મક પ્રયાસો હાથ ધરવા વિનંતી કરી હતી. તેમણે શાળાના શિક્ષક પરિવારને બાળકોને કેળવણી અને શિક્ષણના ભેદ વિશે સમજાવતા કહ્યુ હતું કે, શિક્ષણ એટલે પુસ્તકીયુ જ્ઞાન અને કેળવણી એટલે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. માતાપિતા બાળકનો સર્વાંગી વિકાસ થાય તેનો વિશ્વાસ રાખી શાળાએ મોકલતા હોય છે ત્યારે શિક્ષકોની વિશેષ જવાબદારી બને છે કે બાળકને શાળામાં યોગ્ય વાતાવરણ મળી રહે.
કાર્યક્રમ બાદ ડી.ડી.ઓશ્રી સહિત મહાનુભાવોએ શાળા પરિસરની મુલાકાત લઇ શાળા નિરિક્ષણ કરી વૃક્ષારોણ કર્યું હતું. આ ઉપરાંત શાળાના ઓરડાઓ, મધ્યાહન ભોજનની સુવિધા અને રસોઇ ઘર સહિત પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓનું સ્વયં નિરિક્ષણ કર્યુ હતું. અંતે ભુલકાઓ સહિત શાળા પરિવાર સાથે મહાનુભાવોએ ગૃપ ફોટો પણ લીધો હતો.
આ પ્રસંગે ભાનાવાડી ખાતે પ્રા.શાળાના આચાર્ય કલ્પેશભાઇ ગામીત, નિવૃત જવાન શૈલેશભાઇ ગામીત, ભાનાવાડી સરપંચ સંગીતાબેન ગામીત, બોરખડી પીટીસી કોલેજના આચાર્ય પ્રતિકભાઇ વ્યાસ, બીઆરસી કોઓર્ડીનેટર અવિનાશભાઇ, ભાનાવાડી કંસારીયા પ્રા.શાળાના આચાર્ય અર્જુનભાઇ ચૌધરી, દિનશભાઇ ચૌધરી. શિક્ષિકાબેન સંગીતાબેન, લોટરવા પ્રા.શાળાના આચાર્ય જિલેશભાઇ ચૌધરી, લોટરવા સરપંચ ભાવિશાબેન, ગામના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેન સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦