જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : યોગ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. યોગ એ વિધા છે કે જેનાથી મનુષ્ય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરી શકે છે. આધુનિક યુગમાં કામની વ્યસ્તતા અને ભાગદોડમાં માણસ પોતાના જીવનની શ્રેષ્ઠતાની ચરમ સીમાએ પહોંચવા યોગના માધ્યમ દ્વારા જ આગળ વધી શકે તેમ છે. તેથી જ યોગનું મહત્તવ સમજવું પડશે. યોગ ફક્ત વ્યાયામ નથી બલ્કી યોગ તો વિજ્ઞાનનાં બધાં આયામોથી આગળ છે. આ કારણોસર જ તમામ ભારતીય સંપ્રદાયોએ એકમત થઈ મુક્તકંઠે તેનો સ્વીકાર કરેલો છે.
યોગ આજે એક થેરાપીનાં રૂપમાં પણ ઉપયોગી સિધ્ધ થયો છે ત્યારે તેનું મહત્તવ સમગ્ર વિશ્વનાં લોકો સમજે અને તેનો લાભ લે તેવા શુભ ચિંતનને ધ્યાનમાં રાખી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને ભારતીય સંસ્કૃતિનાં ઓળખસમા “આંતરરાષ્ટ્રીય યોગ દિન” તરીકે ઉજવવાનું નકકી કરેલ છે.
આ ઉજવણી સમગ્ર વિશ્વ દેશ અને રાજયની સાથે અસરકારક અને નોંધનીય બની રહે તે માટે ઓલપાડ તાલુકાની તમામ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં પણ યોગ દિનનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આઠમાં યોગ દિવસની થીમ “ માનવતા માટે યોગ” અંતર્ગત શિક્ષકો ધ્વારા તાલુકાની દરેક ગામોની પ્રાથમિક શાળાનોમાં વહેલી સવારે નિયત સમપત્રક મુજબ વિવિધ યૌગિક ક્રિયા કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો, શિક્ષકો, એસએમસી સભ્યો, વાલીજનો, ગામનાં અગ્રણીનો ઉપરાંત ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે તાલુકાનાં બી.આર.સી.કો.ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજે યોગનો સમગ્ર વિશ્વને સ્વીકાર કર્યો છે એ આપણા સૌ ભારતીયો માટે ગૌરવપ્રદ બાબત છે. તેમણે યોગને જીવન જીવવાની કળાનો એક ભાગ લેખાવ્યો હતો. સાથે જ તેમણે યોગને શાળાની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો ભાગ બનાવી તેનું નિયમિત નિરૂપણ થાય તેવા સંકલ્પ લેવા સૌ શિક્ષકમિત્રોને અનુરોધ કર્યો હતો. એક અહેવાલ મુજબ “યોગઃ કર્મસુ કૌશલ્યમ” સૂત્રને અનુસરીને તાલુકાની જાહેર જનતાએ પણ આ મહાયજ્ઞમાં સ્વૈચ્છિક રીતે જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.