આહવા ખાતે યોગ થી નિરોગી અને તંદુરસ્ત સમાજ નિર્માણની આહલેક જગાવતા પ્રભારીમંત્રી શ્રી નરેશભાઈ પટેલ

Contact News Publisher

ડાંગ જિલ્લાના ૮૯૫ સ્થળોએ ૯૨ હજાર ૭૨૫ થી વધુ લોકો ‘યોગમય’ બન્યા :
——-
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશના ૭૫ આઈકોનીક સ્થળો પૈકીના એક એવા સાપુતારા ખાતે પણ યોજાયો વિશેષ કાર્યક્રમ :
——-
ત્રણેય તાલુકા મથકોએ પણ યોજાયા વિશેષ કાર્યક્રમો :
——-

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : યોગથી નિરોગી અને તંદુરસ્ત સમાજ નિર્માણની આહલેક જગાવતા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલે, ડાંગ સ્વરાજ આશ્રમ સહિત જિલ્લાના ૮૯૫ થી વધુ સ્થળોએ યોજાયેલા જિલ્લાના ‘યોગ નિદર્શન’ કાર્યક્રમમા પધારેલા પ્રજાજનોને રાજ્ય સરકારવતી આવકારી ‘વિશ્વ યોગ દિવસ’ ની શુભકામનાઓ પાઠવી હતી.
‘વિશ્વ યોગ દિવસ’ ની મહત્તા અને અગત્યતા વર્ણવતા મંત્રીશ્રીએ ભારતના ભવ્ય વારસાને વૈશ્વિક ફલક ઉપર ગૌરવ અપાવનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોનો ખ્યાલ આપી, વિશ્વને દિશા દેખાડનારા ‘યોગ’ ને નિરોગી સમાજ નિર્માણ માટે અગત્યનુ માધ્યમ ગણાવ્યુ હતુ.
કોરોનાના કપરા કાળમા ભારતને મહદઅંશે સુરક્ષિત રાખનાર ‘યોગ’ અને ‘આયુર્વેદિ’ નુ મહત્વ વિશ્વ સમસ્તે સ્વીકાર્યું છે ત્યારે આ વર્ષની થીમ ‘માનવતા માટે યોગા’ નુ માહાત્મ્ય વર્ણવતા મંત્રીશ્રીએ, યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવાનુ પણ આહવાન કર્યું હતુ.
આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે મંત્રીશ્રી સહિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઇ પવાર, કલેકટર શ્રી ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી, નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભૂસારા, આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે સહિત આહવાના નગરજનો, પ્રશાસનિક અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્વયંસેવકો વિગેરેએ ઉપસ્થિત રહી ‘યોગ નિદર્શન’ કર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, ડાંગના ઐતિહાસિક સ્થળ એવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમા ત્રણ હજારથી વધુ લોકો ‘યોગમય’ બન્યા હતા. આ ઉપરાંત ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે ભારત સરકાર દ્વારા દેશભરના ૭૫ જેટલા આઇકોનિક સ્થળો પૈકીના જિલ્લાના એકમેવ સ્થળ એવા ગિરિમથક સાપુતારા ખાતે પણ, વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
સાથે જિલ્લાના ત્રણેય તાલુકાઓ ખાતે પણ ‘યોગ નિદર્શન’ના કાર્યક્રમો આયોજિત કરાયા હતા. જે મુજબ આહવા તાલુકાનો કાર્યક્રમ આહવાના રંગ ઉપવન ખાતે, વઘઇ તાલુકાનો કાર્યક્રમ વઘઇની સરકારી ખેતીવાડી હાઇસ્કુલ ખાતે, અને સુબિર તાલુકાનો કાર્યક્રમ સુબિરની નવજ્યોત હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.
ઉપરાંત જિલ્લાના તમામ ૩૧૧ ગામોના ૮૯૫ સ્થળોએ પણ ‘યોગ નિદર્શન’ યોજાયા હતા. જેમા કુલ ૯૨ હજાર ૭૨૫ થી વધુ લોકો ‘યોગમય’ બન્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other