આવતીકાલે દક્ષિણાપથ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ‘’વિશ્વ યોગ દિવસ” ઉજવાશે
“યોગા ફોર હ્યુમાનીટી” થીમ આધારે જિલ્લાની વિવિધ શાળા, કોલેજ સહિત કુલ- ૭૭૫ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે
………………………………
‘’આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં ૭૫ ઐતિહસિક સ્થળોએ “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણીના ભાગરૂપે ભવ્ય યોગ પ્રદર્શન
………………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૨૦ વિશ્વભરમાં 21મી જૂન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે તા.21/06/2022ના રોજ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને તાપી જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને થશે.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ મોહનભાઇ ઢોડિયા, પુનાજીભાઇ ગામીત, સુનિલભાઇ ગામીત, આનંદભાઇ ચૌધરી, વ્યારા નગર પ્રમુખ સેજલબેન રાણા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત સહિત અન્ય મહાનુભાવો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
આ સાથે આઇકોનિક પ્લેસ સોનગઢ ફોર્ટ ખાતે તેમજ તમામ તાલુકાકક્ષાએ તથા સોનગઢ અને વ્યારા નગરપાલિકા ખાતે યોગા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોની ઉજવણી સવારે ૬ થી શરૂ થશે જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળાના શિક્ષકો, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ સહિત તમામ લોકો જનભાગીદારી સાથે લગભગ ૧ લાખ ૪૭ હજાર લોકો તાપી જિલ્લામાં “આંતરરાષ્ટ્રિય યોગ દિવસ’’માં જોડાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સ્થળ અનુસાર જોઇએ તો તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે, આઇકોનિક પ્લેસ સોનગઢ ફોર્ટ, ડોલવણ મામ.કચેરી દ્વારા સરકારી અનાજનું ગોડાઉન, વાલોડ મામ.કચેરી શ્રી સ.ગો. હાઇસ્કુલ વાલોડ, સોનગઢ મામ.કચેરી- ગ્રામ્ય વિસ્તાર કોલેજ સોનગઢ, ઉચ્છલ મામ.કચેરી- તાલુકા શાળા ઉચ્છલ, નિઝર મામ.કચેરી- માર્કેટ યાર્ડ નિઝર, કુકરમુંડા મામ.કચેરી દ્વારા વિઠ્ઠલભવન કુકરમુંડા, પોલીસ ચોકીની બાજુમાં, વ્યારા નગરપાલિકા- શ્રી રામ તળાવ વ્યારા તથા સોનગઢ નગરપાલિકા દ્વારા સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ ખાતે સવારે ૦૬.૦૦ કલાકથી ૦૭.૪૫ સુધી કાર્યક્રમ યોજાશે. આ કાર્યકમમાં રાજ્યનો મુખ્ય કાર્યક્રમ વંદે ગુજરાત ચેનલ અને બાયસેગના માધ્યમથી પ્રસારિત કરાશે. તેમજ તમામ જિલ્લા મથકો અને તાલુકા મથક ઉપર એલ.ઈ.ડી. સ્ક્રિન ઉપર નિહાળી શકાશે.
આ ઉપરાંત જિલ્લાના વિવિધ સ્થળોએ જેવા કે, તમામ આઇ.ટી.આઇ.ના પટાંગણ, પ્રાથમિક/માધ્યમિક/નિવાસી/આશ્રમ શાળા વિગેરે, તમામ પોલીટેકનિક કોલેજના પટાંગણ, તમામ કોલેજના પટાંગણ, પોલીસ હેડક્વાટર સહિત તમામ પોલીસ સ્ટેશનના પટાંગણ, CHC/PHC/પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે અને તમામ ગ્રામ પંચાયતના સ્થળો મળી કુલ-૭૭૫ સ્થળોએ યોગા દિવસની ઉજવણી કરવામાં આવશે.
જિલ્લામાં વિવિધ સ્થળોએ થનાર “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ભવ્ય ઉજવણીમાં વધુમાં વધુ લોકો ઉત્સાહ પૂર્વક ભાગ લેવા જિલ્લા વહિવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયા, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦