સોનગઢના ખેરવાડા જંગલમાં લાકડા ચોરોનો તરખાટ : બીટ ગાર્ડનો હાથ ભાંગી નાખ્યો
લાકડા ચોરોએ સગેવગે કરેલા પ્રતિબંધિત ખેરના લાકડા RFO જાધવે બાતમીના આધારે ગણતરીના કલાકોમા શોધી કાઢ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢના ખેરવાડા જંગલની હદ વિસ્તારમાં જી.પી.એસ. લોકેશન લેવા ગયેલ બીટ ગાર્ડને લાકડા તસ્કરોએ સાંભેલા વડે માર મારી હાથમાં ફેકચર કરી પ્રતિબંધિત ખેરનાં લાકડા સગેવગે કરી દેવાયા.
સોનગઢ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ખેરવાડા ગામના રેવન્યુ તથા જંગલની હદ વિસ્તારમાં ગત તા.૨૭/૧૧/૨૦૧૯નાં કલાક ૦૯/૦૦ થી ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન વન વિભાગમા ફરજ બજાવતાં બીટ ગાર્ડ લાલુભાઇ ઉશ્માનભાઇ કુરેશી રહે- ખેરવાડા ફોરેસ્ટ આવાસ, તા.સોનગઢ ઉપરી અધિકારીઓ તરફથી મળેલ સુચના આધારે પોતાના જંગલ હદ વિસ્તારમાં જી.પી.એસ. લોકેશન લેવા ગયેલ તે વખતે ત્યાં આગળ છ નંગ ખેરના લાક્ડા કાપી તેની ઉપરની છાલ કાઢી ઢાંકી મુકેલ હાલતમાં મળી આવતા તેની નજીકમાં પડેલ કુહાડું લઇ આગળ તાપાસ કરવા ગયેલ તે દરમ્યાન (૧) જમનાભાઇ રૂપસિંગભાઇ વસાવા રહે, ભટવાડા ગામ ડુંગરી ફળિયું તા. સોનગઢ જી. તાપી તથા (૨) જમનાભાઇનો જમાઇ અનિલભાઇ જેના પુરા નામઠામની ખબર નથી તેઓ બીટ ગાર્ડ પાસે આવી નાલાયક ગાળો આપી બીટ ગાર્ડના હાથમાનો કુહાડો છીનવી લઇ ભાગી છુટ્યા હતા ત્યારબાદ બીટ ગાર્ડએ તેમના સ્ટાફના માણસો બોલાવી અલગ-અલગ દિશામાં તપાસ કરવા લાગેલા તે સમયે જમનાભાઇ રૂપસિંગભાઇએ તેના હાથમાં સાંભેલુ લઇ આવી બીટ ગાર્ડને મારવા જતા બીટ ગાર્ડે ડાબો હાથ આડો કરતા ડાબા હાથમાં સાંભેલું મારી દિધેલ અને બીજે મારવા જતા બીટ ગાર્ડે જમણો હાથ ઉપર કરતા જમણા હાથની હથેળીના ભાગે સાંભેલા વડે મારેલ ત્યારબાદ કોયતો લઇ આવી અનિલે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ સમયે બીટ ગાર્ડેએ બુમાબુમ કરતા સ્ટાફના માણસો આવી જતા બંન્ને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા અને બીટ ગાર્ડને હાથમાં ફેકચર કરી બીટ ગાર્ડને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો. જે અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંઘાઈ છે. આ ગુનાની વધુ તપાસ સોનગઢ PSI શ્રી એન.ઝેડ.ભોયા કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બીટ ગાર્ડ લાલુભાઇ ઉશ્માનભાઇએ જ્યારે પોતાના વિભાગના સ્ટાફને બોલાવ્યા તે દરમ્યાન લાકડા તસ્કરોએ છાલ કાઢી સંતાડેલા છ નંગ ખેરના લાક્ડા સગેવગે કરી દીધાં હતા. વન વિભાગના RFO જાધવે આ છ નંગ ખેરના લાક્ડા બાતમીના આધારે ગણાતરીના કલાકોમા શોધી કાઢ્યા છે.