વ્યારા કોલેજ ખાતે સિકલસેલ એનીમિયા-સમસ્યા -સંશોધન પર માહિતી સભર એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું
એક અધિકારી તરીકે નહિ પરંતુ એક સામાજિક જવાબદારી ગણી અનાથ બાળકો, દિવ્યાંગો અને સિલકસેલના દર્દીઓ આ ત્રણ સમુદાયો માટે કામ કરવાની પ્રતિબધ્ધતા દાખવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
…………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.19: આજરોજ 19મી જુન “વિશ્વ સિકલસેલ દિવસ” નિમિત્તે વ્યારા સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે ધનવંતરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિકલસેલ એનીમિયા સમસ્યા -સંશોધન પર માહિતી સભર એક દિવસીય કાર્યક્રમનું આયોજન પદ્મશ્રી કનુભાઇ ટેલરના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, એફ.ડબલ્યુ ગુજરાતના એક્સ.એડિશનલ ડિરેક્ટર ડો.વિકાસ દેસાઇ, તાપી જિલ્લાના અગ્રણી ડો.સુરેશ દેસાઇ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પદ્મશ્રી કનુભાઇ ટેલરે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, સિકલસેલ અંગે જાગૃતતા કેળવવા અને તેના દર્દીઓનું જીવન ધોરણ ઉપર આવે તે માટે અથાગ પ્રયત્નો ધનવંતરી ચેરીટેબલ ટ્રસ્ટ અને ડો.અતુલ દેસાઇ દ્વારા કરવામાં આવ્યા છે. જેના માટે તેઓ અભિનંદનને પાત્ર છે. આજે આદિવાસી સમાજમા ઘર કરી ગયેલો રોગ એટલે સિકલસેલ. આ રોગની જાગૃતતા અંગે મેડિકલ ટીમ સાથે સાથે સામાજિક રીતે જાગૃતતા કેળવવાની પણ ખુબ જરૂર છે. આ સાથે દર્દીના માતા-પિતા અને કુટુંબના સભ્યોની પણ સક્રિય ભાગીદારી દ્વારા આ રોગથી પીડાતા દર્દીઓ લાંબુ અને સારૂ જીવન જીવી શકે તે માટે સજાગતા કેળવવાની જરૂર છે એમ ઉમેર્યું હતું. વધુમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીએ વિકલાંગોની 4 કેટેગરીને નાબુદ કરી જુદા જુદા 23 જેટલી કેટેગરી નક્કી કરી દિવ્યાંગોનો સહારો બન્યા છે. તેમણે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તાપી જિલ્લાના તમામ દિવ્યાંગો માટે યોગ્ય કેટેગરીમાં વિભાજીત કરી તેઓને આર્થીક, માનસિક, પારીવારીક, કોઇ પણ વસ્તુની જરૂરીયાત હોય તો પોતે મદદ કરવા તૈયાર છે એમ ખાતરી આપી હતી. અંતે તેમણે સિકલસેલ એનીમિયાના દર્દીઓને સમયસર રક્તદાન કરતા તમામ રક્તદાતા શ્રીઓ વંદનને પાત્ર છે એમ કહી તેઓના અમુલ્ય દાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં અનાથ બાળકો, દિવ્યાંગો અને સિલકસેલના દર્દીઓ આ ત્રણ પાસાઓ ઉપર કામ કરી તેઓના ઉત્ત્થાન માટે પગલા લેવાની જરૂર છે. તેમણે પદ્મશ્રી કનુભાઇને પોતે એક અધિકારી તરીકે નહિ પરંતુ એક સામાજિક જવાબદારી ગણી આ ત્રણેય સમુદાયોના ઉત્ત્થાન માટે કામ કરવા પ્રતિબધ્ધતા દાખવી હતી. આ સાથે તેમણે સિકલસેલ અંગે લોકો જાગૃત બને અને લગ્ન પહેલા બન્ને પક્ષના સ્ક્રિનીંગ કરી યોગ્ય તપાસ કરાવવા અંગે લોકોને પ્રેરિત કર્યા હતા. વધુમાં સમાજમાં પ્રવર્તમાન ખોટી માન્યતાઓને દૂર કરવા સૌ યુવાનોને આગળ આવી પોતે જાગૃત બની સશક્ત સમાજના નિર્માણમાં ભાગીદાર બનવા ખાસ અનુરોધ કર્યો હતો. અંતે તેમણે ગુજરાત સરકારનો “સિક્લસેલ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ”ને “પીએમ એવોર્ડ ઓફ એક્સેલન્સી” અવોર્ડ મળ્યા અંગે જાણકારી રાજ્યના આરોગ્ય વિભાગ સહિત તાપી જિલ્લાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ધનવંતરી ચેરીટેબલ ટ્રસ્ટના ડૉ.અતુલ દેસાઇએ સ્વાગત પ્રવચન કરતા તાપી જિલ્લામાં ધનવંતરી ચેરીટેબલ ટ્રસ્ટ સિલકસેલ એનીમિયા અંગે જાગૃતતા કેળવવા માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તથા આ રોગ ધરાવતા તમામ લોકો માટે તેઓ મદદ કરવા ખડે પગે તૈયાર છે એમ આશ્વાસન આપ્યું હતું.
આ ઉપરાંત ડૉ.સ્નેહલ પટેલે સિલકસેલ એનીમિયા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, તાપી જિલ્લામાં કુલ વસ્તી ૮,૬૫,૨૩૦ સામે ૭,૮૨,૭૬૫ (૯૦%) જેટલી સ્ક્રીનીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તે પૈકી સિકલસેલ રોગનાં ૩૨૮૨ દર્દીઓ અને ૬૫૫૪૧ સિકલસેલના વાહક નોંધાયેલ છે. દરેક સગર્ભા માતાઓનું સ્ક્રીનીંગ કરી સિકલસેલનો ટેસ્ટ કરવામાં આવે છે. જિલ્લામાં દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે DTT Screening -Dithionite Tube Turbielity ની સુવિધા ઉપલબ્ધ છે. જનરલ હોસ્પિટલ, વ્યારા ખાતે HPC Test -High Performance Liquid Chromatographyની સુવિધા ઉપલબ્ધ છે. દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલસેલ દર્દીઓ માટે ન્યુમોકોકલ વેક્સિન તથા હાઈડ્રોસીયુરીયા આપવામાં આવે છે. ન્યુમોકોકલ વેક્સિન ૩૨૮૨ દર્દીઓ માંથી ૨૦૧૭ દર્દીઓને આપવામાં આવી છે તેમજ ૮૬ દર્દીઓ હાઈડ્રોક્સીયુરીયા સારવાર હેઠળ છે.
કાર્યક્રમમાં સિકલસેલના દર્દીઓમાં સંજય પટેલ અને સુનિતાબેન દ્વારા પોતાના પ્રતિભાવો રજુ કરતા જણાવ્યુ હતું કે, યુવાનોએ આ રોગ અંગે જાગૃત બની સૌ દર્દીઓને સરકારની વિવિધ યોજના અંગે જાણકારી આપવી જોઇએ તથા દર્દીઓએ પોતે પણ આ રોગ અંગે છુપાવવાની નહિ પરંતુ સ્વીકાર કરી પોતાની કાળજી લેવાની જરૂર છે. આ સાથે હળવી કસરત અને ભોજનમાં વિવિધતા લાવી તંદુરસ્તીને જાળવવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લામાં વિવિધ શાળાઓ અને જાહેર જનતા માટે આયોજીત સિલકસેલ જાગૃતિ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓમાં પ્રથમ ક્રમે ચૌધરી દિપીકાને રૂપિયા 7 હજાર અને બીજા ક્રમે 2500 રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા, ડો.સુરેશ ચૌધરી, શિક્ષણ વિભાગના શિતલબેન, એલ.કે.પટેલ-રક્તદાન કેન્દ્રના મુખ્ય અધિકારી ડૉ.અરવિંદ પટેલ સહિત અન્ય મહાનુભાવો અને જાગૃત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
000000000000000