તાપી : “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ

Contact News Publisher

વ્યારા ખાતે સાંસદશ્રી પરભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાયો: તાપી જિલ્લાના કુલ ૨૦ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહાનુભાવોના હસ્તે ગૃહકળશ અને ચાવી અર્પણ કરાઈ.
…………..
“કેન્દ્ર અને રાજ્ય સરકાર જરૂરિયાતમંદની વહારે છે. તેની પડખે રહેવાની ભાવના વ્યક્ત કરીએઃ” સાંસદશ્રી પરભુભાઈ વસાવા
………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૮ઃ તાપી જિલ્લાના વ્યારા (શ્યામાપ્રસાદ ટાઉન હોલ) ખાતે સાંસદશ્રી પરભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા,કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયા, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ,નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ સેજલબેન રાણા સહિત પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા ખાતે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વ્યારા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦ જેટલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ગૃહકળશ અને ચાવી અર્પણ કરાઈ હતી.
સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું વિશ્વના મહાનાયક અને મહાપુરૂષ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં દેશનું સૌથી મોટુ કામ કર્યું છે. નાગરિકોને વિનામૂલ્યે રાશન પહોંચાડી સેવાનું કાર્ય કર્યું છે. આદિજાતિ વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ આપી છે. આજે તેઓના વરદ હસ્તે ૫ જિલ્લાઓમાં ૨૧ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આવા વિકાસ પુરૂષને જન્મ આપનારા માતૃશ્રી પૂજ્ય હિરાબાને શતાયુમાં પ્રવેશ પ્રસંગે શતશત નમન કરી સાંસદશ્રી વસાવાએ શુભકામના પાઠવી હતી.
તાપી જિલ્લો સરકારની યોજનાને કારણે હરિયાળો બન્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચી રહ્યા છે. PMJAY યોજના લોકો માટે આશિર્વાદરૂપ બની છે. કિસાન સન્માનનિધિ યોજના હેઠળ ખેડૂતોને સીધા તેમના ખાતામાં પૈસા મળી જાય છે. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ, હયાતીમાં વારસાઈ, જંગલ જમીનના હકપત્રો આપવામાં આવ્યા છે.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ કોરોના સમયમાં ખૂબ કાળજી લીધી છે. આદિવાસી વિસ્તારમાં ૨૦૨૪ સુધીમાં એકપણ વ્યક્તિ આવાસ વિના ના રહી જાય તે માટે ચિંતા કરી છે.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં જુદા જુદા પ્રકલ્પોનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રીની માતૃ શક્તિ યોજના અને પોષણ સુધા યોજના દ્વારા નાના બાળકો અને મહિલાઓને તેનો લાભ થશે. આગામી ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે બહોળી સંખ્યામાં તેમાં ભાગ લેવા નગરજનોને અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ સૌનું સ્વાગત કરતા “ગુજરાત ગૌરવ અભિયાન” નિમિત્તે ઉપસ્થિત લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી માતૃ શક્તિ અને પોષણ સુધા યોજનાની જાણકારી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, તાપી જિલ્લામાં ૭,૪૯૪ આવાસ મંજૂર કરાયા છે. જે પૈકી ૬૪૪૧ પૂર્ણ થયા છે. ધારાસભ્યશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આવાસની કામગીરી માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.
આ પ્રસંગે ચીફ ઓફિસરશ્રીઓ દર્પણ ઓઝા, પૂર્વીબેન પટેલ,પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ કોંકણી, મહામંત્રી વિક્રમભાઇ તરસાડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન સોનલબેન પાડવી, કૃષિ અને સહકાર સમિતિ અધ્યક્ષ ભૂપેન્દ્રભાઇ ગામીત, બાંધકામ સમિતિ ચેરમેન નીતીનભાઇ ગામીત, સામાજીક ન્યાય સમિતિના મસુદાબેન નાઈક સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ જિલ્લા ગ્રામ વિકાસ નિયામકશ્રી અશોકભાઇ ચૌધરીએ કરી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other