નિઃશૂલ્ક યોગા સેશનનો પ્રથમ દિવસ : વ્યારાના દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે આર્ટ ઓફ લીવીંગ દ્વારા નિઃશૂલ્ક વોર્મઅપ યોગા શિબીર યોજાયો
“યોગ કરી આપણે પોતે અને આપણાં સમાજ બન્નેને તંદુરસ્ત બનાવીએ.” :- જિલ્લા કલેક્ટરશ્રી એચ. કે. વઢવાણિયા
………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૧૮ : આગામી ૨૧ જૂને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”નો કાર્યક્રમ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે.
આ કાર્યક્રમના ભાગરૂપે આર્ટ ઓફ લીવીંગ દ્વારા આજે તા.૧૮ થી ૨૦ જુન સુધી વ્યારાના દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે સવારે ૬ થી ૭:૩૦ વાગ્યા સુધી નિઃશૂલ્ક યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટરશ્રી વઢવાણિયા, યોગ સેશનના ફેકલ્ટી ડૉ.કામિનીબેન પટેલ અને ડૉ જૈમિન ચૌહાણ દ્વારા યોગના વિવિધ આસનો સાથે યોગ સેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેશનમાં જિલ્લા કલેક્ટરશ્રી એચ. કે. વઢ્વાણિયા સહિત, યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર તેમજ અન્ય અધિકારીઓ તથા યોગ પ્રિય નગરવાસીઓ ઉપસ્થિત રહી યોગ સેશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી એચ. કે. વઢ્વાણિયાએ નગરવાસીઓને જાહેર આપીલ કરતા જણાવ્યું હતુ કે, તમામ સીટીઝનો આ નિ:શુલ્ક યોગા શિબીરમાં જોડાય અને તેઓ સ્વેચ્છાએ યોગ કરતા થાય તથા યોગ પ્રત્યે સભાનતા કેળવાય તે જરૂરી છે. વધુમાં તેમણે યોગ કરી આપણે પોતે અને આપણાં સમાજને પણ તંદુરસ્ત બનાવી વધુ સારું અને તંદુરસ્ત જીવન જીવવા આહવાન કર્યું હતું. અંતે તેમણે વધુમાં વધુ નગરવાસીઓ આ શીબિરમાં જોડાય તેવી અપિલ કરી હતી.
આર્ટ ઓફ લિવિંગના ફેકલ્ટી ડૉ.કામિનીબેન તથા તથા ડૉ જૈમિન ચૌહાણ દ્વારા પ્રથમ દિવસે ઉપસ્થિત તમામ લોકોને ૨૧ જૂન માટે બોડી વોર્મઅપ કરાવી પ્રાણાયમ તથા વિવિધ આસનો કરાવ્યા હતા. તેમણે તમામ નગરવાસીઓને આપીલ કરતા જણાવ્યું હતુ કે, યોગ અને આયુર્વેદને જીવનમાં અપનાવીશુ તો આપણે ઘણા બધા રોગોથી દુર રહીશું. યોગ અને આયુર્વેદને રોજિંદા જીવનમાં ઉતારી શરીર અને મનને શુદ્ધ કરીને આગળ વધવુ જોઇએ.
આ નિ:શુલ્ક યોગા સેશનમાં તમામ ગ્રામજનો અને વ્યારા નગરવાસીઓ ઉત્સાહભેર જોડાય તેવી તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો.
૦૦૦૦૦૦૦૦૦૦૦