ડાંગ જિલ્લામા આગામી ર૧મી જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમને અપાયો આખરી ઓપ 

Contact News Publisher

આ વર્ષના આંતરરાષ્ટ્રિય યોગ દિવસની મુખ્ય થીમ
‘યોગ ફોર હ્યુમેનિટી : માનવતા માટે યોગ’ને ધ્યાને રાખી કાર્યક્રમોનુ કરાયુ આયોજન 

જિલ્લાના ઐતિહાસિક ‘ડાંગ સ્વરાજ આશ્રમ’ સહિત ત્રણેય તાલુકા મથકે યોજાશે કાર્યક્રમો 

જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમા ૮૮૯ સ્થળોએ અંદાજે ૯૨ હજાર ૨૨૫ થી વધુ લોકોને યોગમય બનાવી ઉજવણી કરાશે 

સમગ્ર આયોજનની તલસ્પર્શી છણાવટ સાથે સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન આપતા કલેકટર શ્રી ભાવિન પંડ્યા : મીડિયાકર્મીઓને પણ આપી જાણકારી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : તા: ૧૬: આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગરીમાપૂર્ણ ઉજવણી કરવાના ભાગરૂપે ડાંગ જિલ્લાનો, જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઐતિહાસિક ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આયોજિત કરાયો છે. જ્યારે તાલુકા કક્ષાના કાર્યક્રમો (૧) આહવા તાલુકો : રંગ ઉપવન, આહવા (૨) વઘઇ તાલુકો : સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વઘઇ અને (૩) સુબિર તાલુકો : નવજ્યોત હાઇસ્કુલ, સુબિર ખાતે આયોજિત કરાયા છે.

આ અંગેની મીડિયાકર્મીઓને જાણકારી આપતા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ, જિલ્લા કક્ષાના કાર્યક્રમમા અંદાજે ૩ હજાર તથા તાલુકા કક્ષાના કાર્યક્રમોમા ૫૦૦ લેખે ૧૫૦૦ લોકોની ભાગીદારી કેળવવાનો લક્ષ નીર્ધાર કરાયો છે, તેમ જણાવ્યુ હતુ. જ્યારે સમગ્ર જિલ્લામા જિલ્લાથી લઈને ગ્રામ્ય કક્ષા સુધીના ૮૮૯ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમા ૯૨ હજાર ૨૨૫ જેટલા પ્રજાજનોને જોડવાનો લક્ષ નિયત કરાયો છે તેમ ઉમેર્યું હતુ.

ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘વિશ્વ યોગ દિવસ’ના દેશભરના કાર્યક્રમોમા વર્ચુઅલ ઉપસ્થિત રહી, પ્રેરણાદાયી સંબોધન કરશે. જેનુ રાજ્ય સમસ્તની જેમ અહીં પણ કાર્યક્રમ સ્થળોએ પ્રસારણ કરાશે.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ : સ્વતંત્રતાના ૭પ વર્ષની ઉજવણીના અનુસંધાને, આ વર્ષનો ‘વિશ્વ યોગ દિવસ’ રાજ્યમા કુલ ૭પ આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામા આવી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામા પણ ઐતિહાસિક, સાંસ્કૃતિક, અને નૈસર્ગીક સ્થળોએ કાર્યક્રમના આયોજન ઉપર જિલ્લા વહીવટી તંત્રે વિશેષ ભાર મુક્યો છે તેમ જણાવતા  કલેક્ટરશ્રીએ, આ વર્ષે યોગ ને પ્રવાસન સાથે જોડીને, રાજ્યની પ્રવાસન પ્રવૃત્તિને પણ વેગ આપવાનુ આયોજન રાજ્ય સરકારે કર્યું છે તેમ જણાવ્યુ હતુ.

સાથે જિલ્લા, તાલુકા કક્ષા ઉપરાંત શાળા/કોલેજો, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ સહિતના સ્થળોએ પણ કાર્યક્રમોનુ આયોજન કરાઇ રહ્યુ છે, તેમ જણાવી શ્રી પંડ્યાએ, ડાંગ જિલ્લામા જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમા અંદાજે ૯૨ હજાર ૨૨૫ થી વધુ લોકોને યોગમય બનાવી ઉજવણી કરવાનો લક્ષ નીર્ધાર કરાયો છે તેમ કહ્યું હતુ.

ડાંગ જિલ્લાના કાર્યક્રમ અંગેની માહિતી આપતા કલેકટર શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ સહીત, સામાજિક/સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, જિલ્લાના પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો, યોગ બોર્ડના પ્રતિનિધિઓ અને ટ્રેનરો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી, સ્થળ મુલાકાત લીધી હતી.

સમગ્ર કાર્યક્રમની જાણકારી જિલ્લાના મિડીયાકર્મીઓને આપતા આ વરિષ્ઠ અધિકારીઓએ પત્રકારો સાથે સંવાદ પણ સાધ્યો હતો. આ વેળા નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત, જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિરલ પટેલ સહિતના પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, ડાંગ સહીત રાજ્યની ૪૫ હજાર  પ્રાથમિક શાળાના ૮૪ લાખ ૬૫ હજાર વિદ્યાર્થીઓ તેમજ ૩ લાખ ૨૩ હજાર શિક્ષકો આઠમા વિશ્વ યોગ. દિવસની ઉજવણીમા જોડાશે. આ ઉપરાંત ૧૨ હજાર ૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮ લાખ ૪૩ હજાર વિદ્યાર્થીઓ, અને ૮૯ હજાર શિક્ષકો પણ આ ઉજવણીમા જોડાશે.

૨૬૦૦ યુનિવર્સિટી-કોલેજીઝના ૧૬ લાખ ૧૪ હજાર વિદ્યાર્થીઓ, અને ૬૦ હજાર અધ્યાપકો યોગ દિવસની ઉજવણીમા સહભાગી થશે. રાજ્યની ૨૮૭ આઈ.ટી.આઈ. દીઠ ૧૦૦ વિદ્યાર્થીઓ એમ કુલ ૨૮ હજાર ૭૦૦ વિદ્યાર્થીઓ યોગ દિવસની ઉજવણીમા જોડાશે. રાજ્યના ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અને ૬૫૦૦ પેટા કેન્દ્રો પર કુલ ૧૨ લાખ ૭૦ હજાર ૪૦૦ લોકો યોગમય બનશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other