ચીકટિયા ગામે ગર્ભવતી ભેંસનુ જટિલ ઓપરેશન કરી બચાવી લેવાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા: તા: ૧૬: ડાંગ જિલ્લાના ચીકટિયા ગામે એક ગર્ભવતી ભેંસને, પ્રસૂતિમા ભારે તકલીફ ઊભી થતા, પશુપાલકે તબીબોનો સહારો લેવો પડ્યો હતો.
જિલ્લાના મદદનીશ પશુપાલન અધિકારી શ્રી હર્ષદ ઠાકરે તરફથી મળેલી વિગતો અનુસાર, ચીકટિયા ગામના ઉપલા ફળિયામા રહેતા પશુપાલક શ્રી અવસુભાઈ ગંસુભાઈ પવારની માલિકીની ગર્ભવતી ભેંસ, પ્રસૂતિની અસહ્ય વેદના અનુભવતી હતી. જેથી તેમણે આહવાના પશુ દવાખાનામા ફોન કરતા, ડો.વિરલ પટેલ અને એટેન્ડન્ટ વિશાલ ધૂમ તાત્કાલિક ચીકટિયા પહોંચી ગયા હતા.
ડોક્ટરની તપાસમા આ ગર્ભવતી ભેંસના પેટમા બે માથા, અને સાત પગ સાથેનુ મૃત બચ્ચુ હોવાનુ માલુમ પડ્યુ હતુ. જેને કારણે ભેંસને વિયાણમા ભારે પીડા થઈ રહી હતી. આ સ્થિતિમા ભેંસને બચાવવા માટે તાત્કાલિક ફિટોટોમી ઓપરેશન કરવાનો નિર્ણય લઈ, પાંચ કલાકના જટિલ ઓપરેશન બાદ, મૃત બચ્ચાને માતાના ગર્ભમાંથી બહાર કાઢી, ભેંસને જીવતદાન આપ્યુ હતુ.
મૂંગા પશુઓની સેવા, સુશ્રુશા સાથે સંકળાયેલા રાજ્ય સરકારના પશુપાલન વિભાગના સંવેદનશીલ અભિગમને કારણે, એક પશુપાલકે તેની જીવાદોરી સમી ભેંસને બચાવી છે. તો બીજી તરફ પશુપાલન વિભાગે પણ રાજ્ય સરકારની સેવા, સુશાસનની પ્રતિબદ્ધતાને અહીં સાકાર કરી છે.
–