કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી ખાતે “કૃષિક્ષેત્રે રસાયણોનો સમજપૂર્વક ઉપયોગ” વિષય ઉપર ખેડુત શિબિર કાર્યક્રમ
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) : તા.૧૫: ભારતીય કૃષિ અનુંસધાન પરિષદ દ્વારા પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી અને સ્વરૂપ એગ્રો કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદના સંયુકત ઉપક્રમે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. સી. કે. ટીંબડીયાના માર્ગદર્શન હેઠળ અને ડૉ. ઝેડ. પી પટેલ માન. કુલપતિશ્રી, ન. કૃ. યુ. નવસારીની અધ્યક્ષતામાં “કૃષિક્ષેત્રે સમજપૂર્વક ઉપયોગ” વિષય ઉપર ખેડૂત શિબિર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૨૦૦ ખેડૂત ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ન.કૃ.યુ., નવસારી કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી પટેલ દ્વારા ન્યુઝલેટર અને ફોલ્ડર પ્રકાશિત કરવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ કેવીકે વ્યારાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વધુમાં તેઓએ કૃષિક્ષેત્રે થયેલ સંશોધનોને ખેડૂતો સુધી પહોચાડવા કેવીકેના વિસ્તણ કાર્યોનું મહત્વ સમજાવ્યું હતુ. પોતાની સરળ અને આગવી શૈલીમાં કૃષિ રાસાયણોનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા સમજ આપી હતી. તેમણે “પાણી અને વાણી વિચારીને વાપરો” ના સુવિચાર સાથે કૃષિ રસાયણોનો જરૂરી હોય ત્યાંજ વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યુ હતુ. કેવિકે ફાર્મની આંબાવાડીમાં વિવિધ અખતરાઓ કરી સંશોધન કરવા સૂચન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં કુલપતિશ્રીના વરદ હસ્તે કૃષિ માહિતીના QR Code, કેવિકે દ્વારા પ્રકાશિત ન્યુઝલેટર તેમજ ફોલ્ડરોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ડી. ડી. કાપડિયાએ જીલ્લામાં ખેતી માટે પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે કેવીકે તાપીના સહયોગને બિરદાવ્યો હતો. તેઓએ તાપી જિલ્લાના દરેક ખેડૂતોને પોતાના ગામમાં જ કૃષિલક્ષી માહિતી મળી શકે એ હેતુથી કેવીકે દ્વારા પહેલ કરાયેલા QR Code દરેક ગ્રામ પંચાયત પર મૂકવા અનુરોધ કર્યો હતો.
વિસ્તરણ શિક્ષણ નિયામક, ન.કૃ.યુ., નવસારી ડૉ. સી. કે. ટીંબડીયા દ્વારા કૃષિ ક્ષેત્રે રસાયણોનો પ્રમાણસર ઉપયોગ કરી ઝેરમુક્ત કૃષિ ઉત્પાદન કરવા સાથે માનવ સ્વાસ્થ્યને જાળવી રાખવા હાકલ કરી હતી. કેવીકે દ્વારા શરૂ કરાયેલ QR Code દ્વારા કૃષિલક્ષી માહિતીનો ઉપયોગ કરવા ખેડૂતોને જણાવ્યુ હતુ.
કેવીકેના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત મહેમાનો અને ખેડૂતોને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું કે, આજના આધુનિક યુગમાં કૃષિક્ષેત્રે નવીન તજજ્ઞતાઓને અપનાવી ગુણવત્તા સભર ઉત્પાદન મેળવવા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. સ્વરૂપ એગ્રો કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદના મેનેજરશ્રી અમ્રત પ્રજાપતિએ કંપની દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટસ વિષે વિસ્તારમાં ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સરંક્ષણ વિભાગના વૈજ્ઞાનિક ડો. એસ. કે. ચાવડાએ જણાવ્યુ હતું કે, જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી ખેતીમાં થતાં વધુ પડતાં ખર્ચના ઘટાડાની સાથે સાથે માનવ સ્વાસ્થ્ય, પશુ પક્ષીઓના સ્વાસ્થય તેમજ પર્યાવરણની જાળવણી કરી શકાય છે તેમજ બાગાયત વિભાગના વૈજ્ઞાનિક ડો. ધર્મિષ્ઠા એમ. પટેલએ બાગાયતી પાકોમાં રસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ અંગે તાંત્રિક માહિતી આપી હતી. પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)એ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો સમજાવી અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમના અંતમાં ડો. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. કે. એન. રાણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કેવિકેના વૈજ્ઞાનિકશ્રીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦