કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે ‘ મસાલાની બનાવટ’ વિષય ઉપર વ્યવસાયિક તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા તા. ૧૭/૦૫/૨૦૨૨ થી તા.૧૮/૦૫/૨૦૨૨ અને તા.૨૬/૦૫/૨૦૨૨ થી તા.૨૭/૦૫/૨૦૨૨ દરમ્યાન ‘વિવિધ મસાલાની બનાવટ’ વિષય ઉપર કુલ ૨ વ્યવસાયિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના વિવિધ ગામની કુલ ૬૫ આદિવાસી ખેડૂત મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન.સોની એ વિવિધ પ્રકારના મસાલાની બનાવટની વિસ્તૃતમાં ટેકનિકલ માહિતી આપી હતી તથા દરેક મસાલા જેવા કે ચા મસાલો, પાઉંભાજી મસાલો, ચાટ મસાલો, ફ્રુટ મસાલો, છોલે મસાલો, પુલાવ મસાલો, ગરમ મસાલો, સંભાર મસાલો, લસણનો મસાલો અને અથાણાનો મસાલાનું પધ્ધતિ નિદર્શન (પ્રેકટીકલ) કરી શીખવ્યું હતું . તેમણે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ મસાલો દળવા માટેનું પલ્વરાઇઝર મશીન પણ તાલીમાર્થીઓને પ્રત્યક્ષ બતાવી તેના ઉપયોગ વિષે માર્ગદર્શન પૂરુ પાડયું હતું.
વ્યવસાયિક તાલીમ દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.સી.કે.ટીંબડીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તાલીમાર્થી મહિલાઓને તાલીમ લીધા બાદ મસાલા ગૃહઉદ્યોગ થકી રોજગારલક્ષી પ્રવૃતિઓ શરૂ કરી આવક ઉપાર્જન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તાલીમના અંતે, તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને સખી મંડળ દ્વારા જૂથમાં સંગઠનથી મસાલા ગૃહઉદ્યોગ શરૂ કરવા તૈયારી બતાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન.સોની એ કર્યું હતું.