ખેતી ખર્ચ ઘટે તે માટે પ્રાકૃતિક ખેતી એક માત્ર વિકલ્પ : શ્રી એચ. કે. વઢવાણિયા કલેકટરશ્રી, તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા. ૨૬/૦૪/૨૦૨૨ના રોજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર વર્કશોપ અને કિસાન મેળો “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર રાખવામાં આવ્યો હતો. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા તાપી ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગના ના સહયોગથી ખેડૂતો અને અધિકારીશ્રીઓ મળીને કુલ ૩૩૦ લોકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમનું શરૂઆતમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત એવા માનનીય કલેકટરશ્રી એચ. કે. વઢવાણીયા દ્વારા કૃષિલક્ષી પ્રદર્શનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માનનીય કલેકટરશ્રી એચ. કે. વઢવાણીયા દ્વારા પ્રાકૃતિક ખેતી કરી ખેતી ખર્ચ બચાવવા તેમજ ટકાઉ ખેતી કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો વધુમાં તેમણે તાપી જિલ્લાના કુદરતી સંશાધનોની યોગ્ય ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી અંગે આગળ વધવા હાકલ કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. સી ડી પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકે તાપી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોને આવકારી કાર્યક્રમ નું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. પંડ્યાએ તાપી જિલ્લામાં પ્રવર્તમાન ખેતી પદ્ધતિ ને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ તરફ લઈ જવા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવતા તાંત્રિક માર્ગદર્શન અંગે ખેડૂતોને અવગત કર્યા હતા. વધુમાં તેમણે તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ના અવકાશ અંગે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. ડૉ. કેદારનાથ કુશ્વાહા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર ન.કૃ.યુ. વ્યારા દ્વારા બાયોફોર્ટીફાઇડ પાકોની જાતો વિશે તેમજ ધાન્યપાકોમાં સંકલિત રોગજીવાત નિયંત્રણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા તેલીબિયા પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધ્તિ અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
શ્રી. સી. સી. ગરાસિયા, મા. જિલ્લા ખેતીવાડી અધિકારી, તાપીએ NFSM અંતર્ગત જુદા જુદા કઠોળ પાકોની યોજનાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી માન ધન યોજના તેમજ i ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા વિશે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માટે e KYC કરાવવા અંગે હાકલ કરી હતી. ડૉ. બ્રિજેશ શાહ, નાયબ પશુપાલન નિયામક તાપી દ્વારા પશુપાલન ને લગતી સહાય યોજનાઓ વિશે માહિતી આપી કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પશુપાલકોને દુધાળા પશુઓની માવજત વૈજ્ઞાનિક ઢબે કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા યોજવામાં આવી હતી જેમાં કેવીકે-તાપીના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી રતિલાલભાઈ વસાવા દ્વારા તેમના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કૃષિ મંત્રાલય ભારત સરકારના માનનીય કૃષિમંત્રી શ્રી એન. એસ. તોમર દ્વારા કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેનુ કેવિકે વ્યારા, ખાતે જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં પાંચ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનુ અધ્યક્ષશ્રી માનનીય કલેકટરશ્રી, તાપીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટી સંશોધિત જાતો અને જુદીજુદી જૈવિક પ્રોડક્ટ, પ્રાકૃતિક ખેતી, કૃષિ યાંત્રિકીકરણ, ડ્રોન ટેકનોલોજી ના પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમ દરમિયાન ડૉ. એન.એમ. ચૌહાણ, પ્રિન્સિપાલ, પોલીટેકનિક ઈન એગ્રિકલચર, ન. કૃ. યુ. વ્યારા, શ્રી એ. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા તાપી, નાયબ બાગાયત નિયામક શ્રી તુષાર ગામીત, શ્રી આર. આર. ભગોરા, નોડલ અધિકારી, તાપી, શ્રી મનહરભાઈ બી. પટેલ, ખેતિઅધિકારી,તાપી ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડૉ. એ. જે. ધોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other